IAS Rajendra Kumar Patel: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર અને 2015 ની બેચના IAS અધિકારી રાજેન્દ્ર કુમાર પટેલને કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. ગુરુવારે અમદાવાદની એક સ્પેશિયલ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટે તેમની નિયમિત જામીન અરજી નામંજૂર કરી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાન્યુઆરી મહિનામાં લાંચ અને મની લોન્ડરિંગના કેસમાં આ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.

ડિજિટલ પુરાવાઓએ ખોલી પોલ
સ્પેશિયલ PMLA જજ કે.એમ. સોજિત્રાની કોર્ટે IAS રાજેન્દ્ર કુમાર પટેલની જામીન અરજી ફગાવતા અત્યંત કડક શબ્દોમાં નોંધ્યું હતું કે, “ફરિયાદ અને કેસના કાગળોમાંથી પ્રાપ્ત થયેલા ડિજિટલ પુરાવા અને સહ-આરોપીઓના નિવેદનો જોતાં, પ્રાથમિક દૃષ્ટિએ એવું બિલકુલ માની શકાય નહીં કે અરજદાર મની લોન્ડરિંગના ગુનામાં સામેલ નથી અથવા નિર્દોષ છે.”
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આરોપી અધિકારી વિરુદ્ધ પૂરતા પુરાવા છે જે દર્શાવે છે કે તેમણે ગેરકાયદેસર રીતે 3 કરોડ 12 લાખ 62 હજાર 230 રૂપિયાની અધધ લાંચ લીધી હતી. આ ઉપરાંત, તેમની પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 12, 13(1)(D), 13(2) અને 7 હેઠળ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
‘પ્રતિ ચોરસ મીટર’ ના હિસાબે ઉઘરાવાતી લાંચ!
ED ની તપાસમાં સામે આવેલા ગંભીર આરોપો મુજબ, IAS રાજેન્દ્ર કુમાર પટેલે સુરેન્દ્રનગરના ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરી સાથે મળીને લાંચ લેવા માટે એક મોટી સિન્ડિકેટ રચી હતી. જમીનનો હેતુ ફેરવવા એટલે કે ‘ચેન્જ ઓફ લેન્ડ યુઝ’ (CLU / NA) અને જમીન વેરિફિકેશનની ફાઈલો મંજૂર કરાવવા માટે આ બંને અધિકારીઓ અરજદારો પાસેથી સીધી જ ‘પ્રતિ ચોરસ મીટર’ ના હિસાબે લાંચ વસૂલતા હતા. ડેપ્યુટી મામલતદાર મોરી પર આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ફાઈલોને ઝડપથી ક્લિયર કરી આપવાના બદલામાં લોકો પાસેથી મોટી રકમ ખંખેરી હતી, અને આ લાંચની રકમ જમીનના ચોરસ મીટરની ગણતરી કરીને જ નક્કી કરવામાં આવતી હતી.
ગુજરાત ACB એ પણ નોંધી છે FIR
માત્ર ED જ નહીં, પરંતુ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ પણ ED ની ફરિયાદના આધારે IAS પટેલ અને અન્ય ત્રણ લોકો સામે FIR નોંધી છે. ડેપ્યુટી મામલતદાર મોરીને ‘સૌરાષ્ટ્ર ઘરખેડ ભાડૂઆત પતાવટ અને ખેતીલાયક જમીન વટહુકમ 1949′ હેઠળ ટાઇટલ વેરિફિકેશન અને CLU ની અરજીઓની પ્રોસેસિંગનું કામ સોંપવામાં આવ્યું હતું, જેમાં આ મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. હાલ પૂરતું તો આ ભ્રષ્ટ અધિકારીએ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની ધરપકડ
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની કાર્યવાહી, ચંદ્રસિંહ મોરી કોર્ટમાં રજૂ કરાશે
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં સોપાયો!
