Iran Israel War Impact Indian Exports: પશ્ચિમ એશિયામાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે છેડાયેલા જંગની જ્વાળાઓ હવે ગુજરાતના એક્સપોર્ટર્સ સુધી પહોંચી છે. યુદ્ધની સ્થિતિને કારણે ગલ્ફ દેશોના પોર્ટ પર હજારો કન્ટેનર અટવાઈ પડ્યા છે, જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ મામલે કેન્દ્ર સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
UAE અને ઓમાન પોર્ટ પર કન્ટેનરોનો ભરાવો
ડો. કઠવાડિયાએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, યુદ્ધના કારણે લોજિસ્ટિક્સ ચેઈન ખોરવાઈ ગઈ છે. જેના પરિણામે UAE અને ઓમાન પોર્ટ પર કુલ 29,000 કન્ટેનર ફસાયા છે, જેમાંથી 5500 થી વધુ કન્ટેનર ભારતનાં છે. આ અટવાયેલા કન્ટેનરોને પરત લાવવા માટે અંદાજે ₹275કરોડનો વધારાનો આર્થિક બોજ કે ખર્ચ થવાની શક્યતા છે.
War Impact: ગુજરાતની કેરી અને ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો
ગલ્ફ દેશો ગુજરાતના કૃષિ અને ટેક્સટાઇલ ઉત્પાદનો માટે મોટું માર્કેટ છે, પરંતુ યુદ્ધે આ ગણિત બગાડી નાખ્યું છે. ગુજરાતમાંથી ગલ્ફ દેશોમાં નિકાસ થતી અંદાજે ₹500 કરોડની કેરીના કન્ટેનર અટવાયા છે, અને જો તેનો સમયસર નિકાલ નહીં થાય તો કેરી બગડી જવાની ભીતિ રહેલી છે. આ ઉપરાંત, ખાવા-પીવાની પેરિશેબલ ચીજવસ્તુઓના 800થી વધુ કન્ટેનર પણ ગલ્ફમાં મોકલેલા છે, જેનો માલ બગડવાનો ડર એક્સપોર્ટર્સને સતાવી રહ્યો છે. આ સાથે જ, ઈદના તહેવાર સમયે જ ગારમેન્ટના કન્ટેનર અટવાઈ જતા અંદાજે ₹1500 કરોડના ગારમેન્ટ બિઝનેસ પર પણ માઠી અસર પડી છે.
કોંગ્રેસની સરકાર પાસે મહત્વની માંગ
ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ એક્સપોર્ટર્સને બચાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મૂકી છે. આ માંગણીઓ અનુસાર, અટવાયેલા માલને રિટર્ન લાવવા માટેનો વધારાનો ચાર્જ સરકાર માફ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, યુદ્ધને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા એક્સપોર્ટર્સ માટે કેન્દ્ર સરકાર ખાસ રાહત પેકેજ જાહેર કરે અને ભારત સરકાર રાજદ્વારી સ્તરે વાતચીત કરીને ભારતીય માલના સુરક્ષિત નિકાલ માટે રસ્તો (કોરિડોર) બનાવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
