Uttarvahini Narmada Parikrama: ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે ગુજરાત સરકાર નર્મદા પરિક્રમામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક્શન મોડમાં છે. ગત 19 માર્ચથી શરૂ થયેલી પવિત્ર ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’ માં યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા અને સુવિધાઓની સમીક્ષા કરી છે.

રામપુરા ઘાટ પર સુરક્ષા અને જેટી વ્યવસ્થાની તપાસ
શુક્રવારે સચિવ રમેશ મેરજાએ રામપુરા ઘાટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ખાસ કરીને નર્મદા મૈયાના પ્રવાહમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. તેમણે બોટિંગ વ્યવસ્થામાં લાઈફ જેકેટનો ઉપયોગ અનિવાર્ય બનાવવા અને સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, ઘાટ પર સ્નાન માટેની સુવિધાની સાથે મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે અલાયદા ચેન્જિંગ રૂમ અને લાઇટિંગની પણ તપાસ કરી હતી. સાથે જ, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત સીસીટીવી (CCTV) મોનિટરિંગ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ અને પ્રતિભાવ
પરિક્રમા રૂટ પર પદયાત્રા દરમિયાન સચિવશ્રીએ સામાન્ય શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી. યાત્રિકોએ સરકાર દ્વારા કરવામાં આવેલા વોટરપ્રૂફ ડોમ, આરામદાયક ખાટલા, ગાદલા અને સ્વચ્છતાની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, સચિવશ્રીએ યાત્રા માર્ગ પર મિશન મંગલમની બહેનો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ વિવિધ આશ્રમો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રિકો માટે પૂરા પાડવામાં આવતા ભોજન અને વિશ્રામની વ્યવસ્થાની પ્રશંસા કરીને તેને બિરદાવી હતી.

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ
પરિક્રમાવાસીઓ માટે બોર્ડ દ્વારા વિવિધ હાઈ-ટેક સુવિધાઓ ઊભી કરાઈ છે, જેમાં રહેઠાણ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં પલંગ અને ઓશીકા સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાના ભાગરૂપે 24*7 એમ્બ્યુલન્સ સેવા અને મેડિકલ યુનિટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, યાત્રિકોની અન્ય સગવડો માટે ક્લોક રૂમ, પીવાનું શુદ્ધ પાણી અને સઘન પાર્કિંગ વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ પરિક્રમા 17 એપ્રિલ (ચૈત્ર વદ અમાસ) સુધી ચાલવાની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જયરામભાઇ ગામીતના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પોતાની આસ્થા પૂર્ણ કરી રહ્યા છે.
