@ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદ શહેરમાં રિક્ષામાં બેસાડીને લૂંટતી ગેંગ તો અનેક ઝડપાઈ છે પરંતુ એલીસબ્રિજ પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જે ગેંગ રિક્ષાચાલકોને ટાર્ગેટ કરતી હતી. પૌશ વિસ્તારમાં ગ્રાહકનાં વેશમાં રિક્ષામાં બેસીને પોતે નિવૃત જજનાં દિકરા હોવાનું કહીને રિક્ષાચાલકનો વિશ્વાસ જીતીને મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતા હતા.
- રિક્ષા ચાલકોને લૂંટતી ગેંગની કરાઈ ધરપકડ
- 23 મોબાઈલ અને રોકડ રકમ કબ્જે કરાઈ
- અમદાવાદનાં અલગ અલગ વિસ્તારમાં આચરી ઠગાઈ
- 20 થી વધુ રિક્ષાચાલકોને બનાવ્યા નિશાન
દાણીલીમડાનાં રહેવાસી રેહાનખાન પઠાણ અને શિવમ ચૌધરી નામનાં બન્ને શખ્સોનાં કારસ્તાને આજે તેઓને જેલનાં સળિયા પાછળ ધકેલી દિધા છે. આ બન્ને આરોપીઓ એક્ટીવા પર અમદાવાદનાં પોશ વિસ્તારમાં જઈને સારી સોસાયટીની આગળ ઉભા રહીને રિક્ષાચાલકોને રેહાનખાન પઠાણ પોતે રિટાયર્ડ જજનો પિત્ર છે તેવી ઓળખ આપીને હાલ નવા રહેવા આવ્યા છે અને બજારમાથી નવુ LED લેવુ છે તેમ કહીને પોતાનો ખોટો નંબર રિક્ષાચાલકને આપી રસ્તામાં મેડિકલ સ્ટોર આગળ રિક્ષાને ઉભી રાખીને માતાની દવા માટે પૈસાની જરૂર હોય રોકડાની માંગણી કરતો અને પૈસા ન હોય તો વ્હોટ્સએપમાં દવાની ચીઠ્ઠી મંગાવવાનાં બહાને મોબાઈલ લઈને રિક્ષામાંથી ઉતરી શિવમ ચૌધરીની એક્ટીવા પર બેસીને બન્ને ફરાર થઈ જતા હતા. આ રીતે અત્યાર સુધીમા અનેક રિક્ષાચાલકો સાથે આ શખ્સોએ ઠગાઈ કરી હોવાનું ખુલ્યુ છે.
અમદાવાદનાં એલીસબ્રિજ, પાલડી તેમજ મણીનગર સહિતનાં વિસ્તારોમાંથી આ શખ્સો રિક્ષાચાલકોને વિશ્વાસમાં લઈને મુસાફર તરીકે પ્રવાસ કરતા અને મેડિકલ સ્ટોર આગળ રિક્ષા ઉભી રાખી રિક્ષાચાલકનો વિશ્વાસમાં લઈને તેનો મોબાઈલ અથવા તો રોકડ રકમ દવા લેવાનાં નામે લઈને ફરાર થઈ જતા. અત્યાર સુધીમાં આ ગેંગે અનેક રિક્ષાચાલકો સાથે આ રીતે છેતરપીંડી આચરી હોવાનુ ખુલ્યુ છે. એલીસબ્રિજ પોલીસે ઠગાઈ કરીને લીધેલા 23 મોબાઈલ ફોન તેમજ રોકડ 2.10 લાખ તેમજ એક એક્ટીવા આ શખ્સો પાસેથી કબ્જે કરી છે.
પકડાયેલા બન્ને આરોપીઓએ અત્યાર સુધીમાં કરેલી છેતરપીંડીમાં પહેલી વાર તેઓ પોલીસની ગીરફ્તમાં આવ્યા છે. પરંતુ હવે આ બન્ને આરોપીઓ સામે પોલીસે ગાળીયો કસ્યો છે. ત્યારે પોલીસની તપાસમાં સામે આવશે કે આ આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે ઠગાઈ કરી અને અન્ય કેટલા મોબાઈલ બારોબાર વેંચી નાખ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
