જામનગરના ચિલ્ડ્રન હોમમાં બાળકોને હાઉસ ફાધર સ્ટમ્પ અને લાકડીથી માર મારવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે હાઉસ ફાધર સુમિતભાઈ બાબુભાઈ દાવદરા સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે જામનગરના સાધના કોલોની મેઈન રોડ પર આવેલ બાળસંરક્ષણગૃહમાં જિલ્લા કલેક્ટર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન નાના બાળકોએ પોતાની આપવીતી જણાવી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે સુમિત સર અમને ધાકધમકી આપીને માર મારતા હતાં. છેલ્લા એકાદ સપ્તાહથી હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમિતભાઈ બાબુભાઈ દાવદરાએ યાતનાઓ આપવાનું શરૂ કર્યું હતું. ચિલ્ડ્રન હોમના નિયંત્રણમાં રહેલા બાળકો પૈકી કેટલાક બાળકોને હાઉસ ફાધર દ્વારા બિનજરૂરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. ચિલ્ડ્રન હોમના કેટલાક બાળકોને ક્રિકેટના સ્ટમ્પ વડે માર મારી લાફા મારવામાં આવતા હતા. તે ઉપરાંત કોમ્પ્યુટરના ડેટા કેબલ મારફતે વિજ કરંટ આપવાનો ડર પણ બતાવવામાં આવ્યો હતો.
પોલીસે આઈપીસી કલમ ૩૨૩ અને જુવનઈલ જસ્ટીશ એકટની કલમ 23 તેમજ જીપીએકટ કલમ 135 (1) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કેટલાક બાળકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યા છે.
બિહારમાં ચિલ્ડ્રન હોમ સરકારી નિયંત્રણમાં લવાશે:-
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુજફ્ફરપુર શેલ્ટર હોમ સેક્સ કાંડથી શિખામણ લેતા આને ચલાવનાર બધા જ ખાનગી સંગઠનોને લાયસન્સ રદ્દ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. નીતિશ કુમારે ગત સોમવારે પટણામાં પત્રકારોને આ જાણકારી આપતા જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં એનજીઓ દ્વારા સરકાર પ્રાયોજિત ચિલ્ડ્રન હોમ ચલાવવામાં આવી રહ્યાં છે, તેમને ચરણબદ્ધ રીતે સરકારી નિયંત્રણમાં લેવામાં આવશે. રિમાન્ડ હોમની જેમ આમને ચલાવવાની જવાબદારી રાજ્ય સરકારની હશે.
