Himmatnagar News : હિંમતનગર જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ (Aadhaar)તેમજ અલગ અલગ સર્ટિફિકેટ બનાવનાર જનસેવા કેન્દ્રના ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટર ચલાવનાર પોલીસ સકંજામાં આવ્યા છે,અત્યાર સુધી કેટલા બોગસ સર્ટીફીકેટ અને આધાર(Aadhaar)કાર્ડમાં છેડછાડ કરવામાં આવી છે સાથે અન્ય કેટલાની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ બહુમાળી ભવન કમ્પાઉન્ડમાં આવેલા જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ઓપરેટર અને ખાનગી કોમન સર્વિસ સેન્ટર ચલાવતા વ્યક્તિએ ભેગા મળી આધાર(Aadhaar) કાર્ડ તેમજ જન્મના દાખલા, જાતિના દાખલા, લિવિંગ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજોમાં છેડછાડ કરી બોગસ સર્ટિફિકેટ બનાવનારની સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દસ્તાવેજો માં છેડછાડ કરનાર બંને વ્યક્તિઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કા નો પણ ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

જોકે પોલીસ દ્વારા હાલતો બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી બોગસ દસ્તાવેજો બનાવનાર બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જોકે અત્યાર સુધીમાં કેટલા લોકોના સર્ટિફિકેટ તેમજ આધાર (Aadhaar)કાર્ડ માં ફેરફાર કર્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ કોઈપણ સરકારી યોજના અથવા તો સરકારી નોકરી મેળવવા હેતુ બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ તો જનસેવા કેન્દ્રના ઓપરેટર ચંદ્રકેતુ પ્રજાપતિ અને કોમન સર્વિસ સેન્ટર ચલાવનાર કિશોર પ્રજાપતિની ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જોકે બંને વ્યક્તિઓને કોર્ટમાં રજૂ કર્યા પછી વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ કરવામાં આવશે.

જોકે હાલ તો પ્રાથમિક તપાસમાં મહત્વના કોઈ ખુલાસા સામે આવ્યા નથી પરંતુ તપાસ દરમિયાન કેટલા લોકોના આધાર કાર્ડ સાથે છેડછાડ કરી નવીન આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે આ સાથે જ કેટલા લોકોને જન્મનો દાખલો, જાતિનો દાખલો તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં છેડછાડ કરી કેટલા લોકોને નવીન સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
