History/ શીતળા સાતમના દિવસે ધ્રોલ ખાતે લડાયું હતું ઐતિહાસિક યુદ્ધ :મોટી સંખ્યામાં ક્ષત્રિયો થયા હતા શહિદ

નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું.

Gujarat Trending
  • સૌરાષ્ટ્રનું પાણીપત કહેવાતું યુદ્ધ
  • વિક્રમ સવંત 1648માં થયું હતું યુદ્ધ
  • મોટી સંખ્યામાં ક્ષત્રિયો થયા હતા શહિદ
  • શહીદ વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે

અંદાજે 430 વર્ષ પહેલા જામનગરના ધ્રોલ પાસે આવેલા ભૂચરમોરીના મેદાનમાં ઐતિહાસિક યુદ્ધ ખેલાયું હતું. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતમાં પાણીપતનું યુદ્ધ જેટલું જ ભયાનક યુદ્ધ ધ્રોલના ભૂચરમોરીમાં ખેલાયું હતું. ભુચરમોરીનું યુદ્ધ જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે.  નવાનગર રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભુચર મોરીના ઉચ્ચપ્રદેશમાં સૌરાષ્ટ્રનાં ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો, જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઈને નવાનગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું. આ યુદ્ધ જુલાઈ ૧૫૯૧ (વિક્રમ સંવત ૧૬૪૮)માં રાજા જામ સતાજી (કાઠિયાવાડની સેના) અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું. કાઠિયાવાડની સેનામાં જૂનાગઢ અને સાવરકુંડલાનો સમાવેશ થતો હતો, જે છેલ્લી ઘડીએ નવાનગરને દગો આપીને મુઘલ સૈન્યમાં જોડાયા હતા. આ યુદ્ધને પરિણામે બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ હતી અને અંતે મુઘલ સૈન્યનો વિજય થયો હતો.

ભુચર મોરીનું યુદ્ધ : ઇસ ૧૫૯૧
મુઘલ સામ્રાજ્ય અને કાઠિયાવાડની સેનાઓ વચ્ચે ઇ.સ. ૧૫૯૧માં આ યુદ્ધ થયુ હતુ. આ લડાઈને સૌરાષ્ટ્રના ઈતિહાસમાં લડવામાં આવેલી સૌથી મોટી લડાઈ ગણવામાં આવે છે. તેને ઘણી વખત સૌરાષ્ટ્રના પાણીપતના યુધ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાત સલ્તનતના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા, ગુજરાતના નામ માત્રના બાદશાહ હતા અને રાજ્યનો વહીવટ વિવિધ વિભાગોમાં ઉમરાવો જ કરતા હતા, જેઓ સતત ઝઘડ્યા કરતા. મુઝફ્ફરે અન્ય ઉમરાવો સાથે મળીને અમદાવાદની ઘેરાબંધી કરી. અમદાવાદ પર શાસન કરનાર ઉમરાવ ઈતિમાદ ખાને મુઘલ શહેનશાહ અકબરને રાજ્ય પર કબ્જો કરવા નિમંત્રણ આપ્યું. તેમનું સૈન્ય ૧૮ નવેમ્બર ૧૫૭૨ના રોજ અમદાવાદમાં વિના પ્રતિરોધે પ્રવેશ્યું. મુઝફ્ફરને અનાજના ખેતરમાં છુપાયેલી હાલતમાં પકડવામાં આવ્યો. અકબરે વર્ષ ૧૫૭૩ સુધીમાં ધીમે ધીમે રાજ્ય કબ્જે કરી લીધું. તેના સૂબેદારોએ રાજ્ય પર ૧૫૭૩થી ૧૫૮૩ સુધી સતત બળવાઓ અને અશાંતિ વચ્ચે શાસન કર્યું. અકબરે મુઝફ્ફર શાહને આગ્રા ખાતે કારાવાસમાં પૂર્યો પણ તે ૧૫૮૩માં ભાગી અને ગુજરાત પહોચવામાં સફળ રહ્યો. રાજપીપળા ખાતે ટૂંકા રોકાણ બાદ તે કાઠિયાવાડ આવ્યો. મુઝફ્ફર વિવિધ સ્થળોએ નાસતો રહ્યો. તે પ્રથમ ઇડર અને પછી કાઠિયાવાડ તરફ ભાગ્યો. તેને આશરો આપવા કોઈ સહમત ન થતાં નવાનગરના જામ સતાજીએ તેને બરડા ડુંગરમાં છુપાવા માટે સહાય કરી.

સેનાનાયક :
અકબરના સૂબા મિર્ઝા અજીજ કોકા અને તેનુ સૈન્ય તો સામે….
રાજા જામ સતાજી (અને તેની કાઠિયાવાડની સેના)
જામ અજાજી,જસા વજીર, દોલત ખાન, લોમા ખુમાણ, રાવ ભારમલજી ૧, સાંગણજી વાઢેર, વસાજી પરમાર
સ્મારક :
ભુચર મોરીના ઉચ્ચપ્રદેશ પર સ્મારક આવેલું છે. એક મંદિરમાં અજાજીનો પાળિયો આવેલો છે. તેની દક્ષિણે તેમના પત્ની સુરજકુંવરબાનો પાળિયો છે. મંદિરની ઉત્તર દિવાલ પર ૧૬મી સદીની પરંપરાગત ચિત્રકળા પર આધારિત ઘોડેસવાર અજાજી હાથી પર બેઠેલા કોકા પર હુમલો કરતા હોય તેવું ચિત્ર છે. મંદિર પ્રાંગણમાં ૨૩ વધુ પાળિયા આવેલા છે. મંદિરની બહાર આઠ વધુ સ્મારક આવેલ છે જેમાં એક રાખેહાર ઢોલીનું છે જે થોડા અંતરે સ્થિત છે. કુલ ૩૨ સ્મારકો આવેલાં છે. સ્મારકની દક્ષિણ પશ્ચિમે આઠ કબરો આવેલી છે જે મુઘલ સૈન્યના સૈનિકોની છે. સ્થળ પર એક કુવો અને મસ્જિદ પણ સ્થિત છે.

વર્ષ ૨૦૦૭માં ગુજરાત સરકાર દ્વારા નવા સ્મારકના બાંધકામની મંજૂરી આપવામાં આવી જેનું બાંધકામ સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂર્ણ થયું. ઓગષ્ટ ૨૦૧૬માં શહીદ વન નામનું સ્મારક વન લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. ૧૯૯૨થી શીતળા સાતમની પ્રાર્થના માટે ક્ષત્રિય લોકો આ સ્થળની મુલાકાત લે છે. શ્રાવણ વદ અમાસના દિવસે વાર્ષિક મેળો ભરવામાં આવે છે જેમાં હજારો લોકો ભાગ લે છે.