Vishnagar : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ થવાથી 30 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જેમાં વિસનગરના કડા ગામના મહેશભાઈ સોમાભાઈ પટેલનું પણ દુઃખદ અવસાન થયું છે. મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા, જ્યાં ભાગદોડમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના સાળા રમેશભાઈએ જણાવ્યું હતું કે અચાનક ધક્કો વાગવાથી તેઓ નીચે પડી ગયા હતા અને લોકો તેમના ઉપરથી ચાલવા લાગ્યા હતા.
મહેશભાઈના મૃતદેહને તેમના વતન કડા ગામમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો અને ગ્રામજનોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહેશભાઈના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી ફૂલહાર અર્પણ કર્યો. ઋષિકેશ પટેલે મૃતક સાથે મહાકુંભમાં જનારાં તમામ પરિવારજનો પાસેથી માહિતી મેળવી હતી.
ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં મૃત્યુ પામનાર શ્રદ્ધાળુઓના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: મહાકુંભમાં મૃત્યુ પામેલા મહેશભાઈ પટેલના ઘરે આશ્વાસન આપવા જશે ઋષિકેશ પટેલ
આ પણ વાંચો: મહાકુંભમાં દર્શનાર્થે જતી ગુજરાતી મહિલાનું કાર અકસ્માતમાં મોત
આ પણ વાંચો: મહાકુંભ નાસભાગ મામલે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે, આ માંગણીઓ કરવામાં આવી
