છેલ્લા કેટલાક દિવસોથી જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલનું નામ ખુબ ચર્ચામાં ચાલી રહ્યું છે. જો કે તેના કારણ પણ ઘણા બધા છે, પરંતુ જે રીતે સમગ્ર પ્રકરણ ચાલી રહ્યું છે, તેને લઈને જામનગર થી લઈ ગાંધીનગરમાં સત્તાના શિખર સુધી પણ વાત પહોંચી છે અને પછીથી કાર્યવાહી કરવામાં આવી છે.
વાત કરીએ આ બનાવની તો, જામનગરમાં જયેશ પટેલ નામના એક માફિયાએ દાઉદની જેમ વિદેશમાં બેઠા બેઠા જામનગરમાંથી ઉઘરાણીનો મલાઇદાર બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ જેમાં જ્યારે આ માફિયાની પહોંચી રિલાયન્સ કંપની સુધી પહોંચી અને પાણી નાક પરથી પસાર થયું ત્યારે કંપનીના પદાધિકારીએ જોર લગાવ્યું હતું.
આ મામલે રિલાયન્સ કંપનીના ટોચના અધિકારીએ પરિમલ નથવાણીએ આ વાતને સરકાર સુધી પહોંચાડી હતી અને ત્યારબાદ જામનગરમાં પોલીસ તંત્રમાં ફેરફાર કરાવ્યાં અને નવા પોલીસ અધિકારી નિમાતા જ માફિયાડોનના સાગરિતો એક પછી એક પકડાઇ રહ્યાં છે.
આ મામલે જયેશ પટેલની સામે સરકારે કડકમાં કડક બનાવેલો કાયદો ગુજશીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. સંગઠિત ગુનાખોરીને રોકવા આ કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં આતંકવાદની સામે પગલા લેવાની પણ જોગવાઇ છે. ત્યારે હવે સવાલો ઉભા થયા છે કે, જેવી રીતે જામનગરમાં ભૂમાફિયાઓ વિરુધ કાર્યવાહી કરવામાં આવી તે જ રીતે હવે સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવે અને લોકોને સુરક્ષા આપવામાં આવે.
