Not Set/ તળાવમાં માટી ખનનના કારસ્તાન સામે ગામલોકોનો હલ્લાબોલ જેસીબી-ટ્રેલરોને ભગાવ્યા

આ માટી ખનન કરવાના સમગ્ર મામલે ગામલોકોએ ખનન કર્તાઓ પાસે તપાસ કરતા પરવાનેદાર કોન્ટ્રાક્ટર પાસે તળાવના ૧૫૮ સર્વે વિભાગમાંથી ૧૦ હજાર ટન માટી ખોદકામ કરવાનો પરવાનો ધરાવતા હતા

Top Stories Gujarat

કાલોલ તાલુકાના કણેટીયા ગામ ના તળાવમાં શુક્રવારે સવારે માટી ખનન કરવા માટે પહોંચેલા ધંધાદારીઓ સામે ગામ લોકોએ વ્હારે ચઢી હલ્લાબોલ કરી માટી ખનન કર્તાઓને ભગાડી દીધા હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. કણેટીયા ગામના ગામલોકોના જુથબળ અને હલ્લાબોલ સામે સ્થાનિક પંચાયત તંત્રનું કારસ્તાન ખુલ્લુ પડી ગયું હતું.

અત્રે સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના કણેટીયા ગામના મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલા રામેશ્વર તળાવમાં કોઈ રોડ વિભાગમાં માટીપુરાણ કરવા માટે જરૂરી માટી ખનન કરવા એક પરવાનેદાર કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીન અને માટી વહન કરી જવાના ટ્રેલરોના કાફલા સાથે તળાવમાં પહોંચ્યા હતા. જેથી ગામના તળાવમાં માટી ખનન થતું હોવાની ઘટનાની વાયુવેગે ગામ લોકોને ખબર પડતા મોટી સંખ્યામાં ગામલોકો તળાવમાં પહોંચી માટી ખનનનું કામ કાજ અટકાવી દીધું હતું.

આ માટી ખનન કરવાના સમગ્ર મામલે ગામલોકોએ ખનન કર્તાઓ પાસે તપાસ કરતા પરવાનેદાર કોન્ટ્રાક્ટર પાસે તળાવના ૧૫૮ સર્વે વિભાગમાંથી ૧૦ હજાર ટન માટી ખોદકામ કરવાનો પરવાનો ધરાવતા હતા પરંતુ ખનન કર્તાઓ ૧૫૮ વિભાગને બદલે તળાવના ગામતળ વિસ્તારમાં ખનન કરતા ઝડપાયા હતા. જે સમગ્ર વિસ્તાર ગામના નાના બાળકોને દફન કરવા સહિત ગૌચરનો વિસ્તાર હોવાથી ગામલોકોએ ખનન કામકાજ અટકાવી દીધું હતું.

અત્રે ગામતળ વિસ્તારમાં માટી ખનન માટે પુછતા ઈજારદારે ગામના સરપંચ અને તલાટીએ પરમિશન આપી હોવાનું જણાવતા ગામલોકોએ સ્થાનિક સરપંચ અને તલાટીને પણ બોલાવતા ગામલોકો સામે સરપંચ અને તલાટીએ આવા મોટા પ્રોજેક્ટમાં માટી ખનન માટે જિલ્લા કલેકટરે પરમીશન આપવામાં આવતી હોવાનો લુલો બચાવ કર્યો હતો. જેથી સ્થાનિક સરપંચ અને તલાટી દ્વારા પંચાયતના સભ્યો અને સ્થાનિક લોકોને જાણ કર્યા વિના સૌને અંધારામાં રાખીને ગામના તળાવમાંથી માટી ખનન કરવા માટે કરેલા કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.

જોકે ગામલોકોએ સરપંચ અને તલાટીની મેલી મુરાદને અવગણી લોકશાહીના જાગૃત નાગરિક અને ગામના ગૌચર-પર્યાવરણના હિત રક્ષણના ધોરણે માટી ખનનનું સમગ્ર કામકાજ અટકાવી જેસીબી મશીન અને ટ્રેલરોને ભગાડી મુકતા લોકજાગૃતિની અનોખી મિશાલનો દાખલો બેસાડયો હતો.