Junagadh News/ બંધાળાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, બીલખા PIની બદલી અને બે પોલીસકર્મી સસ્પેન્ડ

જૂનાગઢના બંધાળા ગામે વાડીમાંથી 500 લીટર દેશી દારૂ સહિત રૂ. 2.03 લાખનો મુદ્દામાલ ઝડપાયો. બેદરકારી બદલ બીલખા PIની (Junagadh Bilkha Police) બદલી અને બે પોલીસકર્મી સસ્પેન્ડ.

Top Stories Gujarat Breaking News
Junagadh Bilkha Police: સ્થાનિક પોલીસની બેદરકારી બદલ 3 સામે કાર્યવાહી

Junagadh News: જૂનાગઢ જિલ્લાના બીલખા પોલીસ (Junagadh Bilkha Police) સ્ટેશન વિસ્તારમાં આવેલા બંધાળા ગામે વાડીની ઓરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર જૂનાગઢ રેન્જ IGની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં અંદાજે રૂ.1.02 લાખની કિંમતનો 500 લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.2,03,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની કામગીરીમાં બેદરકારી સામે આવતાં જૂનાગઢ રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક પગલાં લીધાં છે. બીલખા પોલીસ સ્ટેશનના PI એન.એન. ચુડાસમાની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે ASI અને એક કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Junagadh Bilkha Police: વાડીમાં દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો

આ કાર્યવાહી બીલખા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બંધાળા ગામના રાવતસાગર નેશ વિસ્તારમાં માતામાના આશ્રમ પાસે આવેલી વાડીમાં કરવામાં આવી હતી. આ સ્થળ બીલખા પોલીસ સ્ટેશનથી પૂર્વ દિશામાં આશરે ચાર કિલોમીટર દૂર આવેલું છે.

19 નવેમ્બર, 2026ના રોજ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર પાસે પ્લાસ્ટિકના બાચકાઓની હેરફેર કરતા એક શખ્સને પોલીસે ઘેરીને ઝડપી પાડ્યો હતો.

ચાલુ દેશી દારૂની ભઠ્ઠી બંધ કરાવી, આથાનો જથ્થો નાશ કર્યો

દરોડા દરમિયાન વાડીની ઓરડી, બહારના શેડ, કાર અને આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. અહીં ચાલુ હાલતમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવતાં તેને બંધ કરાવવામાં આવી હતી. દારૂ અને આથાના નમૂના તપાસ માટે સીલ કરવામાં આવ્યા હતા, જ્યારે મોટા પ્રમાણમાં રહેલા આથાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યવાહીનું વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

500 લીટર દેશી દારૂ સહિત રૂ.2.03 લાખનો મુદ્દામાલ જપ્ત

આ કેસમાં બે આરોપીઓનાં નામ સામે આવ્યાં છે. જેમાં બીલખાની બીલનાથ સોસાયટીમાં રહેતા કેતન દિલીપભાઈ દાણીધારીયાને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે જૂનાગઢના પંચેશ્વરમાં રહેતો રાજુ દેવા ગુરગુટીયા દરોડા સમયે હાજર નહોતો. જોકે, તપાસમાં વેચાણ માટે તેણે પ્રથમ આરોપી પાસેથી દારૂનો જથ્થો મંગાવી મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે 500 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત (Liquor Raid) કર્યો હતો, જેની કિંમત રૂ.1,02,000 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત કાર, મોબાઈલ ફોન અને દારૂ બનાવવાની ભઠ્ઠીનાં સાધનો તથા બેરલ સહિત કુલ રૂ.2,03,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

બેદરકારી બદલ ASI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, PIની બદલી

સ્થાનિક પોલીસની કામગીરીમાં બેદરકારી સામે આવતાં જૂનાગઢ રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વિભાગીય કાર્યવાહી કરી છે. બીલખા પોલીસ સ્ટેશનના ASI દિલીપ માલદેભાઈ બેરિયા અને પોલીસ કોન્સ્ટેબલ અમિત મગનભાઈ વિસાવેલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બીજી તરફ, બીલખા પોલીસ સ્ટેશનના PI એન.એન. ચુડાસમાની બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. PIને સસ્પેન્ડ કરવાની સત્તા રેન્જ IG (Junagadh Range IG) પાસે ન હોવાથી અને PIની બદલી કરવાની સત્તા SP પાસે હોવાથી રેન્જ IG દ્વારા બદલી (Police Suspended) માટેનો હુકમ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: રાજકોટમાં એપાર્ટમેન્ટના 12મા માળે આગ, બહાર ન નીકળી શકતાં પેરાલિસિસગ્રસ્ત વૃદ્ધાનું મોત

આ પણ વાંચો: પાકિસ્તાની હેન્ડલરે આપ્યા હતા રૂ.50 હજાર? વડોદરા આતંકી કેસમાં જૂના ફોનથી નવા ખુલાસાની આશંકા

આ પણ વાંચો: સુરત કરાટે ક્લાસમાં સગીરા સાથે અયોગ્ય વર્તનનો આરોપ, કોચની ધરપકડ