- નારાજ કોંગ્રેસે એનસીપીમાંથી કાંધલ જાડેજાનું પત્તુ કપાવ્યું
- કાંધલ જાડેજાના બે વખત વિજયના લીધે જયંત પટેલના પ્રમુખપદ માટે ઊભો થયો હતો ભય
- ગયા વખતે કાંધલ જાડેજાએ ભાજપ-કોંગ્રેસ સહિત 11 અપક્ષોને એકલા હાથે હરાવ્યા હતા
- કાંધલ રાજકીય-રાષ્ટ્રીય મુદ્દાને લઈને ભાજપને સમર્થન આપવા જાણીતા
કોંગ્રેસના (Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish thakor) અને એનસીપીના (NCP) પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી (Jayant patel) વચ્ચેના તાલમેળે કાંધલ જાડેજાના (Kandhal Jadeja) એનસીપીમાંથી રાજીનામાની સ્ક્રિપ્ટ લખી છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સહિત 11 અપક્ષ ઉમેદવારના એકલા હાથે હરાવીને કાંધલ જાડેજાએ બધાને ચોંકાવી દીધા હતા.
કાંધલ જાડેજા એનસીપીમાંથી 2012 પછી 2017ની સતત બે ચૂંટણી જીત્યા હતા. હવે જો તે ત્રીજી ચૂંટણી જીતી જાય તો ચોક્કસપણે એનસીપીના પ્રમુખપદનો તેમનો દાવો મજબૂત બની જાત. કદાચ પ્રમુખ ન બને તો પણ સૌરાષ્ટ્રમાં તેમનો દબદબો વધી જાત. બીજી બાજુએ ભાજપને સમર્થન કરવા બદલ કોંગ્રેસ પણ જાડેજાથી નારાજ હતી. તેથી તે કોઈપણ રીતે એનસીપીમાંથી પત્તુ કાપવાની ફિરાકમાં હતી. તેથી કોંગ્રેસે અહીં એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને સાધ્યા હતા તથા બીજી બાજુએ ઉપલા સ્તરેથી પ્રફુલ પટેલ અને શરદ
પવારનું પણ કાંધલ જાડેજાને સમર્થન મળ્યું ન હતું. તેથી એનસીપીમાંથી ઉમેદવારી કરવા છતાં પણ તેમણે પક્ષમાંથી રાજીનામુ આપવું પડ્યું હતું અને હવે તે અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવી પૂરેૂપૂરી સંભાવના છે.
તેમની ટિકિટ કપાતા કાંધલ જાડેજાની સાથે બીજી છહોદ્દેદારોએ રાજીનામુ આપી દીધુ છે અને હજારો કાર્યકરોએ પણ રાજીનામુ આપ્યું છે. તેના પગલે સૌરાષ્ટ્ર સહિત અનેક તાલુકા અને જિલ્લા હોદ્દેદારોએ એનસીપીનો સાથ છોડી દીધો છે.
આ પહેલા કાંધલ જાડેજાએ NCPના ઉમેદવાર તરીકે કુતિયાણા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતુ. કોંગ્રેસ-NCPના ગઠબંધન વચ્ચે NCPમાંથી કાંધલ જાડેજાએ ઉમેદવારી કરતા આશ્ચર્ય ઊભુ થયુ હતુ. જો કે કોંગ્રસે NCP સાથે માત્ર ત્રણ જ બેઠક પર ગઠબંધન કર્યુ છે. જેમાં કુતિયાણાનો સમાવેશ થતો નથી.
ત્યારે કુતિયાણા બેઠક પરથી કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખવા મક્કમ છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના વિરોધ છતા કાંધલે NCPમાંથી હજારો સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતુ. જો કે હવે વિવાદો વચ્ચે અંતે કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામુ આપી દીધુ છે. કાંધલ જાડેજાએ 2 દિવસ પહેલા પ્રફૂલ્લ પટેલ સાથે વાતચીત કરી હતી. આગળની રણનીતિ માટે કાંધલ જાડેજા કાર્યકરો સાથે બેઠક યોજશે.
બીજી બાજુ કુતિયાણા બેઠક પર ભાજપ દ્વારા પહેલા રમેશ ઓડેદરાનું નામ ચર્ચાઈ રહ્યુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઘેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર NCPમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડતા હોય છે. કાંધલ જાડેજાનું રાજ્યસભાની ચૂંટણી હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તેમનું ભાજપ તરફી વલણ રહેતુ હોય છે. ત્યારે ભાજપે આ વખતે મહિલા ઉમેદવારને આ મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરનું સમીકરણ હવે ખૂબ જ રસપ્રદ બની રહેશે.
