Surat News: સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટા આંતરરાષ્ટ્રીય લોટરી ફ્રોડ કૌભાંડ (KBC Lottery Fraud)નો પર્દાફાશ કર્યો છે, જેનું સીધું કનેક્શન પાકિસ્તાન અને આસામ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. “કૌન બનેગા કરોડપતિ (KBC)”માં લાખોની લોટરી લાગી હોવાની લાલચ આપી સુરતના એક વ્યક્તિ પાસેથી ₹13.51 લાખની છેતરપિંડી કરનાર બે આરોપીઓને આસામમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યા છે.
સાયબર ક્રાઇમ સેલની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ફ્રોડ પાકિસ્તાનથી ઓપરેટ થતો હતો અને ભારતમાં આસામ રાજ્યમાંથી તેનું નાણાકીય નેટવર્ક સંચાલિત કરવામાં આવતું હતું. પકડાયેલા એક આરોપીનું પાકિસ્તાની હેન્ડલર ‘અબ્દુલ્લા’ સાથે સીધું વ્હોટ્સએપ ચેટ કનેક્શન પણ ખુલ્યું છે.
“KBCમાં તમને 25 લાખની લોટરી (KBC Lottery Fraud) લાગી છે”
ફરિયાદ અનુસાર, સુરતના એક વ્યક્તિનો ઠગ ટોળકીએ સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમને KBC (KBC Lottery Fraud) તરફથી ₹8.50 લાખ અને ₹25 લાખની લોટરી લાગી છે. શરૂઆતમાં ફરિયાદી આ વાતમાં આવી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ, GST, RBI ક્લિયરન્સ, ઈન્શ્યોરન્સ, ફાઇલ ઓપનિંગ, એકાઉન્ટ એક્ટિવેશન અને NOC ફીના નામે અલગ અલગ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. આ રીતે કટકે કટકે કુલ ₹13,51,450 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
RBI અને સરકારી વિભાગોના બનાવટી દસ્તાવેજો મોકલાયા
ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ Reserve Bank of India (RBI), State Bank of India (SBI) તેમજ Ministry of Powerના નામે બનાવટી લેટરપેડ, ઇલેક્ટ્રોનિક ચેક અને ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા. આ ડિજિટલ ફ્રોડ એટલો સુયોજિત હતો કે ફરિયાદીને શરૂઆતમાં કોઈ શંકા જ ગઈ નહોતી.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખબર પડતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સુરત સાયબર સેલે સઘન તપાસ શરૂ કરી હતી.

પાકિસ્તાનના IP અને આસામના બેંક એકાઉન્ટ્સ ખુલ્યા
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફરિયાદીને જે મોબાઇલ નંબરો પરથી કોલ અને મેસેજ આવતા હતા, તેમના વ્હોટ્સએપ IP એડ્રેસ પાકિસ્તાનના હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે છેતરપિંડી (KBC Lottery Fraud) ના નાણાં જે ખાતામાં ટ્રાન્સફર થયા હતા, તે તમામ બેંક એકાઉન્ટ આસામ રાજ્યના હોવાનું સામે આવ્યું હતું.પોલીસે તારણ કાઢ્યું કે પાકિસ્તાનથી આ સમગ્ર રેકેટ ઓપરેટ થતું હતું જ્યારે આસામમાં બેસેલા સ્થાનિક સાગરીતો નાણાકીય વ્યવહારો સંભાળી રહ્યા હતા.
આસામમાં 8 દિવસ સુધી રેકી બાદ આરોપીઓ ઝડપાયા
સુરત સાયબર સેલ (Surat Cyber Cell)ની ટીમ આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી હતી. સ્થાનિક વેશભૂષામાં પોલીસ ટીમે 7થી 8 દિવસ સુધી બાઈક પર સતત રેકી કરી હતી. આખરે જુદા જુદા સ્થળેથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં 24 વર્ષીય ઇજાજુલ હક અને 27 વર્ષીય મુજફ્ફર અલીનો સમાવેશ થાય છે. બંને આસામના નાગાંવ જિલ્લાના કોચગાંવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
કમિશન પર આપતા હતા બેંક એકાઉન્ટ
પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે ઇજાજુલ હકે પોતાનું SBI બેંક એકાઉન્ટ 1 ટકા કમિશનના લોભમાં મુજફ્ફર અલીને આપ્યું હતું. ત્યારબાદ મુજફ્ફર અલીએ તે જ એકાઉન્ટ મુખ્ય સૂત્રધારને 2 ટકા કમિશન પર આપી દીધું હતું.આ ખાતામાં આવતા ફ્રોડના રૂપિયા બંને આરોપીઓ ATM અને CDM મારફતે ઉપાડી અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરતા હતા.
દેશભરમાં 28 લાખથી વધુનું ફ્રોડ
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગેંગ વિરુદ્ધ ગુજરાતના કુતિયાણા અને ઝારખંડના રાંચીમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં કુલ ₹28.68 લાખથી વધુનું ફ્રોડ (KBC Lottery Fraud) આચરાયું હોવાનું સામે આવ્યું છે.સાયબર ક્રાઇમ સેલે હાલ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરી છે.
આ પણ વાંચો:સુરતમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાસ
આ પણ વાંચો:સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની સમીક્ષા બેઠક યોજાઈ
આ પણ વાંચો:14 રાજ્યોની પોલીસ જેની પાછળ હતી, તે માસ્ટરમાઇન્ડ આબીદ અલી સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં!
