Surat News: 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન. આ પ્રસંગે આપણે વાત કરીએ સુરત શહેરના કાપોદ્રાના ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની. કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરતનું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા બદલાઈ જશે. જી હા…કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે.
પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે, કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતાં પ્રકૃત્તિપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ઔસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. તેમની આગેવાનીમાં ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલભાઇ દેસાઇ અને પ્રકૃત્તિપ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે.
ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન-મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાએ જણાવ્યું કે, વર્ષ2023ના સપ્ટેમ્બર મહિનામાં મારૂં સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડિયો ફુટેજ જોતા આ પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું. નાનપણથી જ મને વૃક્ષો, પ્રાણી-પક્ષીઓ, પ્રકૃત્તિ પ્રત્યે લગાવ રહ્યો છે, એટલે જ ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો એક વિચાર આવ્યો હતો. અને વૃક્ષો અને પર્યાવરણ માટે કામ કરતાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલભાઇ દેસાઇ સાથે મુલાકાત થઇ. તેમની પાસે ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી. તેમના સહયોગથી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો, તૂટેલા પાઈપ, પ્લાસ્ટિક બોટલો, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી, વૃક્ષો વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલસ કર્મીઓએ અને વિરલભાઇની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું.
આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે, અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી ઉમેરે છે.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો:પોતાનાજ પિતાને મૃત બતાવી પુત્રએ LIC માંથી પાંચ પોલીસીના ડેથ ક્લેઈમના લાખો રૂપિયા પડાવ્યા
આ પણ વાંચો:જૂનાગઢમા બે બહેનો ઉપર થયો એસિડ એટેક
