Surat News/ સુરતના હજીરામાં L&Tના 5000 શ્રમિકોનું હિંસક આંદોલન, જાણો શું છે શ્રમિકોની મુખ્ય માંગણીઓ?

સુરતના (Surat) હજીરામાં L&T ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારા અને કામના કલાકો મુદ્દે તોડફોડ અને આગચંપી કરી. પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા અને 25ની અટકાયત કરી.

Gujarat Top Stories Surat
L&T Workers Protest Hazira Surat:

L&T Workers Protest Hazira Surat: દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ હજીરામાં આજે અચાનક સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના નિર્માણધીન પ્લાન્ટમાં કાર્યરત L&T કંપનીના અંદાજે 5000 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આંદોલન જોતજોતામાં હિંસક બન્યું હતું, જેમાં તોડફોડ અને વાહનોને આગ ચાંપવાની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

કેમ ભડક્યો શ્રમિકોનો આક્રોશ?

લાંબા સમયથી શ્રમિકો તેમની વિવિધ પડતર માંગણીઓ માટે રજૂઆત કરી રહ્યા હતા, જેના પરિણામે આ આંદોલન છેડાયું છે. આ આંદોલન પાછળના મુખ્ય કારણોમાં શ્રમિકો પાસે લેવાતું 12 કલાકનું કામ છે, જેની સામે તેઓ કાયદેસરની 8 કલાકની ડ્યુટીની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, હાલમાં ઓવરટાઈમનું પેમેન્ટ સિંગલ રેટ પર ચૂકવવામાં આવે છે, જેની સામે શ્રમિકો ડબલ રેટની માંગ કરી રહ્યા છે. શ્રમિકોનો ગંભીર આક્ષેપ એ પણ છે કે ઊંચાઈ પર અત્યંત જોખમી ઇરેક્શન કામ કરવા છતાં તેમને માત્ર 600 થી 700 રૂપિયા જેટલું ઓછું વેતન આપવામાં આવે છે, જે તેમના જોખમની સરખામણીએ ઘણું ઓછું છે.

L&T Workers Protest Hazira Surat:

સોશિયલ મીડિયાના વીડિયોની અસર

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીપત સ્થિત IOCL કંપનીમાં પણ L&Tના કર્મચારીઓએ સમાન માંગણીઓ સાથે વિરોધ કર્યો હતો. ત્યાં તેમની માંગણીઓ સંતોષાઈ હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયો જોયા બાદ હજીરાના શ્રમિકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આજે સવારથી જ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો.

Surat પોલીસની કાર્યવાહી અને ટીયરગેસનો મારો

પરિસ્થિતિ કાબૂ બહાર જતાં સુરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હિંસક બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા. આ મામલે કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અત્યાર સુધીમાં 25 થી વધુ શ્રમિકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

સમાધાન માટે મંત્રણા શરૂ

સ્થિતિ પર થોડો અંકુશ મેળવ્યા બાદ, હવે કંપનીના સત્તાધીશો અને શ્રમિકોના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન માટે બેઠક યોજવાના પ્રયાસો શરૂ થયા છે. શ્રમિકો તેમની માંગણીઓ પર મક્કમ છે, જ્યારે કંપની વ્યવસ્થાપન વચગાળાનો રસ્તો શોધવા મથામણ કરી રહ્યું છે.


આ પણ વાંચો:મહેસાણા-અમદાવાદ હાઇવે પર કામદારોની હડતાળ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:જૂનાગઢ મનપામાં કામ કરતા સફાઇ કામદારોની સ્ટ્રાઇક

આ પણ વાંચો:જર્મનીમાં કર્મચારીઓની હડતાળને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ, મુસાફરો ચિંતામાં મૂકાયા; જાણો સમગ્ર મામલો