Jamnagar News : જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલી એક વેપારી પેઢીમાં 2 દિવસ પહેલાંની રાત્રિ દરમિયાન રૂપિયા 5 લાખની રોકડ રકમની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી. જે ચોરીનો ભેદ LCB ની ટુકડીએ ઉકેલી નાખ્યો છે, અને તે જ પેઢીમાં અગાઉ કામ કરી ચૂકેલા એક પૂર્વ કર્મચારીને 5 લાખની રોકડ સાથે ઝડપી લીધો છે. જામનગર નજીક દડીયા ગામમાં રહેતા અને હાપા માર્કેટિંગ યાર્ડમાં સંજય ટ્રેડિંગ કંપની નામની પેઢી ચલાવતા ભરતભાઈ મનસુખભાઈ નંદાની પેઢીમાંથી 2 દિવસ પહેલાં રાત્રિ દરમિયાન તસ્કરોએ વેપારની રાખેલી રૂપિયા 5 લાખની રોકડ રકમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પંચકોશી B ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.
LCB ની ટુકડીએ તપાસ કરીને પેઢીમાં લગાવાયેલા CCTV કેમેરા ચેક કર્યા હતા. તેમ જ કેટલાક પુરાવાઓના આધારે તે પેઢીમાં અગાઉ કામ કરી ચૂકેલા અને હાલ હાપા(Hapa) ખારી વિસ્તારમાં રહેતા તેમજ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા શંકર રમેશભાઈ ધાધરપરા નામના શખ્સની અટકાયત કરી હતી . તેની પાસેથી રૂપિયા 5 લાખની રોકડ રકમ 1 એકટીવા સ્કૂટર તેમજ મોબાઇલ ફોન વગેરે કબજે કરી લીધા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે અગાઉ જ્યારે આ પેઢીમાં કામ કરતો હતો, ત્યારે પોતે જાણતો હતો કે વેપારી દ્વારા પોતાની પેઢીમાં રોકડ રકમ રાત્રિના સમયે રાખી મુકવામાં આવે છે, અને જેને લોક કર્યા પછી ચાવી પણ એક સ્થળે સંતાડીને રાખવામાં આવે છે. જયારે તેઓની ઓફિસનો પાછળનો દરવાજો પણ ખુલ્લો રહે છે, જે સમગ્ર જાણકારીના આધારે 2 દિવસ પહેલાં રાત્રિના પોતે ચોરી કરવા ઘુસ્યો હતો.
જેણે પોતાના માથા પર ચાદર ઢાંકીને રાખી હતી, અને CCTV કેમેરા વગેરે ક્યાં લગાવેલા છે, તે જાણતો હોવાથી પોતાનું ચહેરો સંતાડીને અંદર જઈને રોકડ રકમની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. પરંતુ LCB ની તપાસના અંતે તેને ઝડપી લીધો હતો. જેની સાથે એક સગીર વયનો બાળક પણ ચોરી કરવા માટે સાથે આવ્યો હોવાથી પોલીસ દ્વારા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
@ સાગર સંઘાણી, Mtv, જામનગર
આ પણ વાંચો: જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા
આ પણ વાંચો: જામનગરના એડવોકેટની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર ફેરવાયું બુલડોઝર