સોનલ અનડકટ, સ્પેશિયલી કોર્સ્પોન્ડન્ટ
બુધવાર, ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં મંગળવારે પાંચ જેટલા ધારાસભ્યો પોઝિટિવ આવતા અધ્યક્ષ તરફથી તાત્કાલિક અસરથી કોરોના ની ગાઇડ લાઇનનો કડક પાલન કરવા સૂચના આપી દેવાઇ હતી. જે અંતર્ગત આજથી જ તે સૂચનાનો અમલ શરૂ કરી દેવાયો હતો. મંત્રીઓના મુલાકાતીઓને આજથી વિધાનસભા પરિસરમાં પ્રવેશબંધી કરી દેવાઈ હતી.

મંગળવારે પાંચ જેટલા સભ્યો પોઝિટિવ આવતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્યમંત્રી ગૃહ મંત્રી અને વિધાનસભા દંડક પંકજ દેસાઈ ની બેઠક મળી હતી જેમાં મંત્રીઓના મુલાકાતીઓને વિધાનસભા પરિસરમાં ન પ્રવેશવા દેવા નિર્ણય લેવાયો હતો,જેનો અમલ આજે બુધવારથી શરૂ કરી દેવાયો હતો. ગૃહમાં અધ્યક્ષે જાહેરાત કરી હતી કે વિધાનસભા પરિસરમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. જો યોગ્ય રીતે માસ્ક નહીં પહેર્યો હોય તો દંડ વસૂલવામાં આવશે. દંડની રકમ અત્યાર સુધી રૂપિયા 500 હતી તે પણ વધારીને રૂપિયા 1000 કરી દેવાઇ છે.આ ઉપરાંત વિધાનસભા પરિસરમાં જે લિફ્ટસ આવેલી છે તે તમામ લિફ્ટના લિફ્ટમેનને ગ્લોવ્ઝ આપી દેવાયા હતા.
ધારાસભ્યો માટે પણ અધ્યક્ષે કડક નિયમો નો અમલ બુધવારથી શરૂ કરી દીધો છે. જે અંતર્ગત ધારાસભ્યોની લોન્જમાં હવેથી ધારાસભ્યોને માત્ર પેકડ નાસ્તો અને ગરમ નાસ્તો જ મળશે. ધારાસભ્યો લોન્જ માં સાથે બેસી નાસ્તો કરે તો સંક્રમિત થવાનો ભય વધી જતો હોવાથી હવેથી ધારાસભ્યો એકસાથે બેસી નાસ્તો ન કરે તે માટે પેકડ નાસ્તાની વ્યવસ્થા લોન્જમાં કરાઈ છે.
કોરોના ઇફેક્ટ હેઠળ બુધવારે સવારે ગૃહના પ્રારંભે જ દંડક પંકજ દેસાઈ માસ્ક ન પહેરનારા ધારાસભ્યો અને પત્રકારોને ઈશારો કરી માસ્ક પહેરી લેવા સમજાવી રહ્યા હતા. સાથે જ ગ્રુહમાં આરોગ્ય વિભાગ તરફથી અધ્યક્ષની સૂચનાના પગલે ભાજપ અને કોંગ્રેસ બંને ના ધારાસભ્યોને N-95 માસ્કનું વિતરણ કરાયું હતું. પત્રકારોને પણ આ માસ્ક આપવામાં આવ્યા હતા.
