@ચિરાગ પંચાલ
કોરોના હવે લોકોને રોવડાવી રહયો છે. પણ તકલીફ ત્યારે થઇ રહી છે, જ્યારે આ રોતા લોકોનાં આંસૂ લુછનાર પણ કોઇ નથી. સમગ્ર દેશનાં રાજ્યોમાં લગભગ એક જેવી જ હાલત છે. જ્યા લોકો પોતાના સ્વજનોને કોરોનાનાં હાથે તડપી તડપીને મરતા જોઇ રહ્યા છે. ક્યાંક હોસ્પિટલોમાં જગ્યા જ નથી. ક્યાંક જગ્યા મળી જાય છે તો ઓક્સિજન નથી. અને તેની વ્યવસ્થા થઇ જાય તો ઇન્જેક્શન નથી. એવું લાગી રહ્યુ છે કે, હવે દેશની હેલ્થ સિસ્ટમનો જ દમ તૂટી રહ્યો છે.

કોરોના આટલી ઘાતક રીતે ફેલાશે તેવું ક્યારેય કોઇએ વિચાર્યુ નહી હોય. અત્યારે તો એવું લાગી રહ્યુ છે કે, જાણે કે દેશમાં કોરોનાનો પરમાણુ બોમ્બ ફૂટી ગયો છે. કોરોનાનાં કેસ જેટલી ઝડપથી વધી રહયા છે અને જેટલી ઝડપથી કોરોના જીવ લઇ રહયો છે તેનાથી આખો દેશ એક સાથે ગભરાયો છે. દેશમાં આઠ રાજ્યો જ્યા કોરોનાએ ત્રાહીમામ ત્રાહીમામ મચાવી દીધુ છે. મહારાષ્ટ્રમાં 60 હજારથી વધારે કેસ યુપીમાં અઢાર હજારથી વધારે કેસ છત્તીસગઢ પંદર હજારથી વધારે કેસ, દિલ્હીમાં 14 હજારથી વધારે કેસ, એમપીમાં નવ હજારથી વધારે કેસ, કર્ણાટકમાં પણ આઠ હજારથી વધારે કેસ, કેરલમાં પણ સાત હજારથી વધારે કેસ, ગુજરાતમાં પણ આંકડો સાત હજારની નજીક, તમિલનાડુમાં પણ સાત હજારથી વધારે કેસ.

હવે અહી સૌથી પહેલા વાત મહારાષ્ટ્રની કરીએ, કારણ કે મહારાષ્ટ્રમાં બીજી વાર 60 હજારથી વધારે સંક્રમિતો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત એટલી બગડી ગઇ છે કે, પ્રતિબંધો સિવાય બીજો કોઇ રસ્તો જોવા મળતો નથી. ખુદ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી કોરોનાથી તડપતા દર્દીઓ માટે ઓક્સિજન માંગતા નજરે પડે છે. કોરોનાની પહેલી લહેરને આસાનીથી સંભાળનારા ઉત્તરપ્રદેશમાં, આ વખતે કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયો છે. દેશમાં દૈનિક આવતા કેસોમાં યુપી બીજા નંબરે પહોચી ગયુ છે. પહેલીવાર યુપીમાં એક દિવસમાં 20 હજારથી વધારે કેસો આવી રહ્યા છે. લખનઉમાં સ્મશાનો અને ક્રસ્તાનમાં શબોની સંખ્યા અચાનક વધી ગઇ છે. મહામારીનું રૂપ વિકરાળ બની ગયુ છે. જરૂરી બની ગયુ છે કે લોકો, પોતાનું ધ્યાન હવે જાતે જ રાખે.

નેતાઓ રાજકારણને બદલે લોકોની મદદ કરે, દેશની હાલત એવી છે કે સિસ્ટમની આંખોમાં પણ ઓક્સિજન માટે આંસુ આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં સરકાર ઓક્સિજન હોવાનો દાવો તો કરી રહી છે. પણ હોસ્પિટલ બહારનાં દ્રશ્યો અને તડપતા દર્દીઓ સિસ્ટમને તમાચો મારી રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે તે સ્પષ્ટ જોવાઇ રહી છે. મધ્યપ્રદેશમાં હાલત એવી છે કે, દર્દીઓને દાખલ કરતા પહેલા હોસ્પિટલો દર્દીનાં સગા પાસે સંમતિપત્રક પર સહી કરાવી રહી છે કે, જો ઓક્સિજનની અછતથી દર્દીનું મૃત્યુ થશે તો હોસ્પિટલની કોઇ જવાદારી નહી હોય. દેશમાં હાલમાં કોરોનાથી હાલત એટલી બગડી ગઇ છે કે, દરેક રાજ્યની એક જેવી જ તસવીરો જોવા મળી રહી છે. છત્તીસગઢમાં પણ વધતા કોરોના વચ્ચે એવા દ્રશ્યો સામે આવી રહયા છે જે તમારૂ દિલ હચમચાવી દેશે. છત્તીસગઢનાં ડોંગર ગામમાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોની લાશોને કચરો ફેકવાની ગાડીમાં અગ્નિસંસ્કાર માટે લઇ જવામાં આવી રહયા છે. દેશનાં આ કપરાકાળમાં આનાથી વધારે દર્દનાક સ્થિતી શું હોઇ શકે?

કોરોના જ્યારે તેનું પ્રચંડરૂપ બતાવી રહ્યો છે. તો ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં હાલત એટલી ખસ્તા થઇ ગઇ છે કે, લોકોને સારવાર માટે ફાંફા પડી ગયા છે. આવી જ એક દર્દનાક તસવીર સુરતમાં જોવા મળી, જ્યાં એક માતાનાં હૈયાફાટ રૂદને અનેક લોકોના રૂદયને હચમચાવી દીધા છે. સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકીનો ઇલાજ ચાલી રહયો હતો, 11 દિવસ સુધી કોરોના સામે જંગ લડતાં લડતાં આખરે બાળકે દમ તોડી દીધો. ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતમાં આ સૌથી ઓછી ઉંમરનું મોત હતું. જન્મનાં ત્રીજા જ દિવસે બાળકને કોરોનાએ ઝકડી લીધી હતી. દેશ હાલમાં કોરોના વાયરસની એવી લહેર સામે લડી રહયો છે, જેનો અંત નજીકનાં ભવિષ્યમાં આવે તેવી કોઇ શક્યતા દેખાઇ રહી નથી. તેવામાં દેશની સ્વાસ્થ્ય તંત્રની પોલ ખુલી ગઇ છે.

ગુજરાત હોય કે મહારાષ્ટ્ર ચારે તરફ એવી અંધાધૂંધી અને અવ્યસ્થા છે કે, જેનાથી લોકોમાં સંક્રમણનો ખતરો વધી રહયો છે. જો તમે સંક્રમિત થઇ ગયા તો, અવ્યવસ્થા સામે તમે નહી બચી શકો. પરિસ્થિતી એવી છે કે બેડ નથી મળી રહ્યા. જો બેડ મળી ગયા તો ઓક્સિજન નથી મળી રહ્યો. હાલત એવી છે કે. ઓક્સિજનની વ્યવસ્થા જાતે કરવી પડે છે. જો ગમે તે રીતે ઓક્સિજન મળી ગયો તો ઇન્જેક્શન અને દવાઓ નથી મળતી. કોઇ પણ મોટા શહેર હોય હાલમાં બે વસ્તુઓની ભારે અછત છે. એક રેમડેસિવિર ઇન્જેક્શન અને બીજો ઓક્સિજન. આ સ્થિતીને જોઇને એવું લાગે છે કે, ખરેખર દેશની હેલ્થ સિસ્ટમ હવે હાંફી ગઇ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
