Ahmedabad News: અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝે એલન અને આકાશ ઇન્સ્ટિટ્યુટ જેવા કોચિંગ ક્લાસના શાળાઓની સાથે સાંઠગાંઠના ચાલતા કૌભાંડનું રહસ્યોદઘાટન કર્યુ તેને લઈને અમદાવાદના DEOએ નાકલીટી તાણી દીધી છે કે ટ્યુશન ક્લાસ કે કોચિંગ ક્લાસ તો અમારા કાર્યક્ષેત્રમાં આવતા જ નથી. તેથી અમે તેને લઈને કશું ન કરી શકીએ. આમ અમદાવાદના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરે કોચિંગ ઇન્સ્ટિટ્યુટના કૌભાંડને લઈને કોઈપણ કશું પણ બોલવાનો ધરાર ઇન્કાર કર્યો હતો.
તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ શિક્ષણ વિભાગ કે શિક્ષણાધિકારીના તાબામાં આવતા નથી. શાળાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે ત્યાં સમયાંતરે હાજરી તપાસવામાં આવે છે. હવે શાળાઓના સીસીટીવી પણ ચકાસવામાં આવશે. આ ઉપરાંત સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને લઈને શાળાઓ સામે કાર્યવાહી પણ થશે.
ચાલુ શાળા દરમિયાન આવા ટ્યુશન ચાલુ હોય તે અયોગ્ય છે. ચાલુ સ્કૂલ દરમિયાન ગેરહાજરી સામે બોર્ડમાં પણ રિપોર્ટમાં મોકલીશું. તેથી સ્કૂલને સમાંતર જો આ રીતે ક્લાસ ચાલતા હશે તો ચોક્કસ પગલાં લઇશું એમ તેમણે જણાવ્યું હતું.
ટ્યુશન મામલે જવાબદારી કોની તેના અંગે તેમણે કશું પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે આનો આધાર તો માબાપ અને સંતાન પર છે. સરકાર અને શિક્ષણ વિભાગ પણ આનું કશું ન કરી શકે. આ બધું જોતાં તો એમ જ લાગે કે બાળકનું ભવિષ્ય જાણે ટ્યુશન સંચાલકોના હાથમાં જ છે. હવે આ એલન અને આકાશ પર કયા નેતાઓના હાથ છે.
કોઈ કૌભાંડ આટલી હદ સુધી ફૂલીને ફુગ્ગો એમને એમ તો થાય જ નહીને. કોઈની છત્રછાયા વગર આ કૌભાંડ તો પાંગરે જ નહીને. આ સંસ્થાઓ પર એવી તે કોની છત્રછાયા છે જેના કારણે તેઓ આટલી બેખોફ રીતે કૌભાંડ આચરી શક્યા. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડાં કરી શક્યા.
