હાલમાં સમગ્ર રાજયમાં ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી રાજયભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેમજ હજુ પણ વધુ વરસાદ પડે તેવી આગાહી છે. ત્યારે ભારે વરસાદ વચ્ચે ભાવનગર શહેરના લાલ ટાંકી વિસ્તારમાં કડાકા સાથે વીજળી પડી હતી. વીજળી પડ્યાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટનામાં જ્યાં વીજળી પડી હતી ત્યાં કોઈ જાનહાની થયાના અહેવાલ નથી.
તો બીજી તરફ ભાવનગરના વાળુકડ ગામ નજીક વીજળી પડતા યુવકનું મોત થયું છે. વીજલી પડતા સુજન ખીમજી ભાઈ જેઠવા નામના યુવકનું મોત નિપજ્યું છે. વાળુકડના અંધારિયાવાડ ગામે ખેતી કામ કરી રહેલા યુવક ઉપર વીજળી પડી હતી. યુવકના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે.
ભાવનગર શહેરમાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના સમયે ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો અને બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં 4 ઇંચ, સિહોરમાં બે ઇંચ, ઘોઘામાં પોણા બે ઇંચ અને ઉમરાળામાં એક ઇંચ વરસાદ પડયો હતો.
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદના પગલે સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, જકાતનાકા, પાનવાડી, રેલવે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે વાહનચાલકો અટવાયા હતા.
ભાવનગરના વલ્લભીપુરમાં ધોધમાર વરસાદના કારણે હાઇવે પર રસ્તો બંધ થઈ રહ્યો છે. વલ્લભીપુરમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અમદાવાદ- ભાવનગર હાઇવે પર વિઝિબિલિટી ઘટી છે અને તેના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવનગર જિલ્લાના બોર તળાવ વિસ્તારમાં આવેલ પૂજા નગરમાં વરસાદી પાણી ભરાયા હતા. મનપા કમિશનર, મેયર તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરાઇ છે. આ સાથે શહેરના વિઠ્ઠલવાડી ત્રણ માળિયા વિસ્તારનાં ઘરોમાં વરસાદનાં પાણી ભરાયા છે. દરેક બ્લોકમાં વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરી પલળી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં મુશળધાર વરસાદ,રાજકોટમાં ધોરાજી ડૂબ્યું પાણીમાં; IMDએ યલો અને ઓરેન્જ એલર્ટ કર્યું જારી
આ પણ વાંચો:ગુજરાતમાં ‘પુષ્પા’ સ્ટાઈલથી દારૂની હેરાફેરી, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પાસેથી સેંકડો બોટલો જપ્ત
આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગનો પ્રારંભઃ છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ
