સુરેન્દ્રનગર/ ચોટીલાના રાજાવાડ ગામની સીમમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ટ્રક ઝડપાઇ, રૂ. 37.95 લાખનો મુદામાલ કબ્જે કરાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 8185 બોટલો, ટ્રક, મોબાઇલ અને રોકડા રકમ જપ્ત કરી

Gujarat Others

ચોટીલા તાલુકાના રાજાવાડ ગામની સીમમાંથી વિદેશી દારૂની 8185 બોટલો સાથે ટ્રક ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 8185 બોટલો, ટ્રક, મોબાઇલ અને રોકડા મળી રૂ. 37 લાખ 95 હજાર 480નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયાની કડક સૂચનાથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, વાજસુરભા, જુવાનસિંહ, અમરકુમાર સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે છટકુ ગોઠવીને બળવંત જીવણભાઇ સાપરા (ચોટીલા) તથા વિકાસ કેશુભાઇ કોળી (ચોટીલા) તથા અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર (ચોટીલા) વાળાઓએ ભેગા મળી ગાડીઓ ભરવાના બંધ બોડીના કન્ટેનર નંબર (RJ-14-GC-3193)માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

ગેરકાયદેસર પાસ પરમીટ વગર દારૂનો જથ્થો મંગાવી ચોટીલા-થાનગઢ રોડ પર ઝરીયા મહાદેવ મંદિરના જવાના રસ્તાની સામે રાજાવાડ ગામની સીમમાં વીડ વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી અન્ય વાહનો મારફત વિદેશી દારૂની કટીંગ કરવા જતા આરોપી બાબુલાલ શંકરલાલ મીણા ( આમેર, જયપુર (રાજસ્થાન) જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 8185, કિંમત રૂ. 22 લાખ 87 હજાર કન્ટેનર કિંમત રૂ. 15 લાખ, મોબાઇલ નંગ-2, કિંમત રૂ. 5 હજાર 500, રોકડા રૂ. 2180 મળી કુલ રૂ. 37 લાખ 95 હજાર 480ના મુદામાલ સાથે આરોપીઓ બળવંતભાઇ જીવણભાઇ સાપરા (ચોટીલા), વિકાસ કેશુભાઇ કોળી (ચોટીલા), અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર (ચોટીલા), આ વિદેશી દારૂનો જથ્થો મોકલનારો રામકુમાર જાટ, ( રહે-રીંગસ, જિલ્લો- સીકર (રાજસ્થાન)વાળાઓ હાજર મળી ન આવતા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલિસ મથકે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.