Not Set/ લોકસભામાં કૃષિ બીલ પાસ કરવામાં આવ્યું, વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હોબાળો

લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બીલ પસાર કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને તે બીલ લોકસભામાં પસાર થયું હતું.

Top Stories India
કૃષિ બીલ પાસ

લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બીલ પસાર કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને તે બીલ લોકસભામાં પસાર થયું હતું. વિપક્ષે ભારે હોબાળો મચાવતા લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો લોકસભા સ્પીકરે નિર્ણય કર્યો છે.

લોકસભાથી પસાર થયા બાદ આ બિલને સંસદના ઉચ્ચ સદનમાં રજૂ કરવામાં આવશે. આ બિલનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો છે. જેના વિરોધમાં દેશભરમાં ખેડૂતો લગભગ એક વર્ષ સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિયાળુ સત્રની શરૂઆત પહેલા સંસદમાં મીડિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું, કે સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે, ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે. સંસદમાં પ્રશ્નો અને શાંતિ હોવી જોઈએ, પરંતુ ગૃહ અને અધ્યક્ષનું સન્માન હોવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું, ‘સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશનો દરેક નાગરિક ઈચ્છશે કે સંસદના દરેક સત્રમાં દેશની પ્રગતિની ચર્ચા થવી જોઈએ. દેશના હિત અને વિકાસ માટે સંસદમાં ચર્ચા થવી જોઈએ. દેશ એ પણ ઈચ્છશે કે ભારતની સંસદ, આ સત્ર અને આવનારા તમામ સત્રો આઝાદી પ્રેમીઓની ભાવનાઓ અનુસાર દેશના હિતમાં ચર્ચાઓ કરે. ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કાર્ય થયું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું.

નોંધનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે  અને 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કુલ 19 કામકાજના દિવસો રહેશે. સંસદમાં લગભગ 30 બિલ રજૂ કરવામાં આવશે, જેમાં કૃષિ કાયદાઓને પાછી ખેંચવા સંબંધિત બિલનો સમાવેશ થાય છે. ઉપરાંત  અન્ય જે બિલો રજુ થવાના છે તેમાં વિજળી, પેંશન, ક્રિપ્ટોકરંસી, બેંકિંગ કાયદામાં સુધારા વગેરે મુખ્ય બિલોનો સમાવેશ થાય છે. સૌથી ચર્ચાસ્પદ બિલોમાં કૃષિ કાયદા પરત લેતુ બિલ ઉપરાંત ખાનગી ક્રિપ્ટોકરંસી પર પ્રતિબંધ મુકતા બિલનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિપક્ષે માગણી કરી છે કે સરકારે આ સત્રમાં મહિલા અનામત બિલને પણ રજુ કરવું જોઇએ. આ માગ કરનારા પક્ષોમાં ટીએમસી, વાએસઆર કોંગ્રેસ, ડીએમકેનો પણ સમાવેશ થાય છે. 2010થી મહિલા અનામત બિલ સંસદમાં પડતર છે. જેમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામતની જોગવાઇ કરાઇ છે.

આ અનામત 15 વર્ષ સુધી મહિલાઓને આપવાની માગ કરાઇ છે. હવે આ બિલને ફરી ચર્ચા માટે સંસદમાં રજુ કરવાની માગ વિપક્ષ કરી રહ્યો છે. સંસદનું આ શિયાળુ સત્ર 29મી તારીખે એટલે કે સોમવારથી શરૂ થશે જે 23મી ડિસેંબર સુધી ચાલશે. બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે.