ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે મોટી રેલવે દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના રામચૌરાની ઘટનામાં ગંગા-ગોમતી એક્સપ્રેસ આ દુર્ઘટનાનો ભોગ બનતા-બનતા રહી ગઈ હતી. પ્રયાગરાજથી લખનૌ જતી ગંગા-ગોમતી એક્સપ્રેસનું એન્જિન અન્ય ડબ્બાથી અલગ થઈ ગયુ હતુ. શાંતિની વાત એ હતી કે આ ઘટનામાં ટ્રેનનો કોઈ ડબ્બો દુર્ઘટનાગ્રસ્ત થયો નથી અને કોઈ મુસાફરને ઇજા પહોંચી નથી.
આ ઘટનાના પગલે પ્રયાગરાજથી લખનૌ જતી ગંગાગોમતી એક્સપ્રેસમાં અફડાતફડી મચી ગઈ હતી. ટ્રેન બે ભાગમાં વહેંચાઈ જતાં લોકો હાંફળાફાંફળા થઈ ગયા હતા. ટ્રેનનું એન્જિન અને બે ડબ્બા આગળ નીકલી ગયા હતા અને અન્ય ડબ્બા પાછળ છૂટી ગયા હતા. દોઢ કલાક સુધી ટ્રેન વચ્ચે રસ્તામાં ઊભી રહી હતી.
બે ડબ્બાને જોડતું કપલિંગ તુટી જવાના લીધે આમ બન્યું હોવાનું કહેવાય છે. જો કે ઘટનામાં ટ્રેનના કોઈ મુસાફરને ઇજા પહોંચી નથી અને દુર્ઘટના ટળી જવાના લીધે રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. રેલવેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. દોઢ કલાક બાદ ટ્રેનને લખનૌ જવા માટે રવાના કરી દેવાઈ હતી. સદનસીબે બીજું કોઈ નુકસાન પણ થયું નથી.
આ દુર્ઘટના સમયે ટ્રેનમાં હજાર લોકો હતા. સદનસીબે કોઈને કશું થયું નથી. રેલવે સત્તાવાળાઓએ આ બનાવની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપી દીધા છે. આગામી સમયમાં આ તપાસનો રિપોર્ટ આવશે.