- જિનપિંગ સરકારની ઝીરો કોવિડ ટોલરન્સ પોલિસી સામે લોકો રસ્તા પર
- પંદરથી પણ વધારે શહેરોમાં જિનપિંગ સત્તા છોડે તેવા નારા
- ચીને 1989માં ટિઆનનમેન હત્યાકાંડ દ્વારા લોકશાહી આંદોલન કચડી નાખ્યું હતું
ચીનની પ્રજા રાષ્ટ્રપતિ જિનપિંગની ઝીરો કોવિડ નીતિ સામે રસ્તા પર ઉતરી આવી છે. ચીનના શહેરોમાં વિરોધ પ્રદર્શનમાં એક છોકરીનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. તે ઝીરો કોવિડ નીતિ સામે રાયટ્સ પોલીસ સામે બિન્દાસ ઉભેલી જોવા મળી રહી છે. લોકો આ છોકરીની જોરદાર પ્રશંસા કરતા તેને ટેન્ક લેડી તરીકે બોલાવી રહ્યા છે.
આ છોકરીએ પોલીસ સામે પોતાના કેમેરા વડે ફિલ્મ બનાવી અને બહાદુરીથી ઉભેલી જોવા મળી. પહેલા પોલીસે તેને ધક્કો માર્યો અને પછી તે તેને લઈ જતાં જોવા મળ્યા. હાલ એ ખબર પડી નથી કે પછી તે છોકરી સાથે શું થયું, કારણ કે કેમેરામેનને ચીની સરકારની એજન્સીઓએ રેકોર્ડિંગ કરતા અટકાવ્યા હતા.

ચીનના શહેરોમાં હાલમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ તો જિનપિંગ સત્તા પરથી હટે તેવા સૂત્રોચ્ચારો કરવા માંડયા છે. આ છોકરીની તુલના 1989માં બંને હાથમાં બેગ લઈને ટિઆનનમેન ચોક પર ટેન્કો સામે ઊભા રહી ગયેલા યુવાન સાથે કરવામાં આવી રહી છે. તે સમયે બૈજિંગમાં લોકશાહી તરફી આંદોલનને ક્રૂરતાથી દબાવી દેવામાં આવ્યું હતું. આ આંદોલનના 30 કરતાં વધુ વર્ષ પછી ફરીથી શાંઘાઈ અને બૈજિંગ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ સરકારની કોવિડ અંગેની ઝીરો ટોલરન્સ નીતિનો ખુલીને વિરોધ કરી રહ્યા છે.
આ વિડીયોને પત્રકાર યાશર અલીએ ટ્વીટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ બહાદુર છોકરીને જુઓ, જે ચીની સરકારની પોલીસની ક્રૂરતાની સામે બહાદુરીથી ઊભી છે. આપણ ઇરાનના મોરચે મહિલાઓને સમર્થન આપી રહ્યા છીએ તો આ મુદ્દે પણ ચીનના લોકોને સમર્થન આપવું જોઈએ.

બીજી તરફ વિરોધ પ્રદર્શનો દરમિયાન કોરા કાગળ અત્યંત મહત્વની વસ્તુ બની ગયા છે, જેને ઘણા લોકો શ્વેત પત્ર ક્રાંતિ કે કોરી ચાદર ક્રાંતિ કે એફોર ક્રાંતિ કહે છે. દેશભરમાં જુદા-જુદા દેખાવો દરમિયાન લોકોને કાગળની એક કોરી ચાદર પકડેલી જોવા મળી. કેટલાક લોકોનું કહેવું છે કે આ સેન્સરશિપથી બચવાની એક રીત છે. બીબીસીના રિપો્રટ મુજબ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે, જેમા નાનજિંગના કમ્યુનિકેશન યુનિવર્સિટીમાં એક મહિલા કોરા કાગળના એક લાંબા ટુકડાને એક છેડેથી પકડેલી છે અને બીજા છેડે એક અજ્ઞાત વ્યક્તિ પકડેલા છે.
આ પણ વાંચોઃ
