Entertainment News: ભારત માટે એક ગૌરવસભર ક્ષણ આવી છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીતી લીધો છે. આ સ્પર્ધા રાજસ્થાનની રાજધાની જયપુરમાં યોજાઈ હતી. મનિકાએ 50 કરતાં વધુ સ્પર્ધકોને પાછળ છોડીને આ ખિતાબ જીત્યો અને હવે તે થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

મનિકાની સફર : ગંગાનગરથી દિલ્હી સુધી
મનિકા વિશ્વકર્માની જીવનયાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે. મૂળ રાજસ્થાનના ગંગાનગર શહેરની રહેવાસી મનિકા હાલમાં દિલ્હીમાં મોડેલિંગ કરે છે. તેણીએ પોતાની પ્રાથમિક શિક્ષણ ગંગાનગરમાં પૂર્ણ કર્યા, બાદ આગળના અભ્યાસ અને કારકિર્દી માટે દિલ્હીમાં ભ્રમણ કર્યું. મનિકા અગાઉ મિસ યુનિવર્સ રાજસ્થાન 2024 તરીકે પસંદ થઈ ચૂકી છે, અને આ ખિતાબ તેના માટે મોટા સપના તરફનું દ્વાર સાબિત થયો હતો.
જીત પછી મનિકાનો સંદેશ
જીત બાદ મનિકાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે “મારી યાત્રા મારા નાનકડા શહેર ગંગાનગરથી શરૂ થઈ હતી. પછી દિલ્હી આવી અને સતત મહેનત કરી. દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને હિંમત હોવી જરૂરી છે. આજે જે હું છું તે માટે હું મારા પરિવાર, માર્ગદર્શકો અને સપોર્ટર્સનો આભારી છું. આ સ્પર્ધા ફક્ત એક પ્રતિસ્પર્ધા નથી, તે એક દુનિયા છે, જે વ્યક્તિના વ્યક્તિત્વ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે.”

જ્યુરીનો પ્રતિભાવ
અભિનેત્રી અને જ્યુરી સભ્ય ઉર્વશી રૌતેલાએ મનિકાની જીત પર જણાવ્યું કે “સ્પર્ધા ખૂબ જ કઠિન હતી, પરંતુ મનિકાએ ઉત્તમ પ્રદર્શન કર્યું. આ મારી જ્યુરી તરીકેની 10મી વર્ષગાંઠ છે અને મને આનંદ છે કે અમને એક એવી વિજેતા મળી છે જે મિસ યુનિવર્સમાં ભારતનું ગૌરવ વધારશે.”
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 ની વિજેતા રિયાની શુભેચ્છા
પાછલી વિજેતા રિયા સિંઘએ પણ મનિકાને શુભેચ્છા પાઠવી કહ્યું કે “મનિકા ખૂબ જ પ્રતિભાશાળી છે. તેણીએ 50 કરતાં વધુ સ્પર્ધકોમાં પોતાની કાબિલિયત સાબિત કરી છે. હવે તે થાઈલેન્ડમાં યોજાયેલ મિસ યુનિવર્સ સ્પર્ધામાં 130 દેશોના પ્રતિસ્પર્ધકો સામે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હું તેને દિલથી શુભેચ્છા પાઠવું છું.”

થાઈલેન્ડમાં ભારતની આશા
આ વર્ષના અંતમાં થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં દુનિયાભરના 130 કરતાં વધુ દેશોના પ્રતિસ્પર્ધીઓ ભાગ લેશે. મનિકા વિશ્વકર્મા હવે આ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફેશન અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીના જાણકારો માને છે કે મનિકાની કાબિલિયત, આત્મવિશ્વાસ અને પ્રતિભા તેને અંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મોખરે લાવશે.
આ પણ વાંચો:અર્ચના પૂરણ સિંહે કપિલ શર્માના બાળપણ અને ગરીબી વિશે વાત કરતા કહ્યુ કે કપિલ ખૂબ ટેલેન્ટેડ છે!
આ પણ વાંચો:ઉર્વશી રૌતેલાએ પોતાને ટ્રોલ કરી, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું થોડી ગરિમા રાખો!
આ પણ વાંચો:અનુપમામાં જોવા મળશે નવો ટ્વીસ્ટ, માતા અને પુત્રી વચ્ચે ફરી થશે ટક્કર!
