એક વેપારીની હત્યાને લઈને ગાંધીનગરના કલોલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કેટલાક શખ્સો દ્વારા એક વેપારીની હત્યા કરવામાં આવતા. કલોલ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેનું કવરેજ કરવા મીડિયાકર્મીઓ પણ પહોંચ્યા હતા અને એ દરમિયાન સ્થિતિ વણસી અને પથ્થરમારો થયો જેમાં મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા જ્યોતિ પટેલને પણ ગંભીર ઈજા થઈ છે.
થોડા સમય પહેલા સમગ્ર ઘટનાક્રમ અંગે મૃતક વેપારીના પરિવારજનો સાથે વાતચીત કરીને તેમની માગણી શું છે તે અંગે નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યાં સુધી તો બધું બરાબર હતું પરંતુ ત્યાર બાદ સ્થિતિ વણસી. મૃતક વેપારીના પરિવારજનો તેમની માગણીઓ અંગે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એ સમયે થોડે દૂર કેટલાક લોકોનું ટોળું આવ્યું અને ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો.
જે બાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો અને તેમાં મીડિયાકર્મીઓને પણ નિશાન બનાવાયા. ઈજાગ્રસ્ત થયેલા સંવાદદાતા જ્યોતિ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા અને તેમની સારવાર શરૂ કરાઈ. પરંતુ સવાલ એ છે કે લોકોની સમસ્યા નિકાલ માટે પ્રયાસ કરતા મીડિયાકર્મીઓને શા માટે નિશાન બનાવવામાં આવે છે.
સમગ્ર ઘટના અંગે માહિતી મેળવવા માટે અને મૃતકના પરિવારજનોની માગણી તેમજ પોલીસની કાર્યવાહી વિશે અહેવાલ મેળવવા માટે ગયેલા પત્રકારોને શા માટે નિશાન બનાવવામાં આવ્યા. આ સમગ્ર ઘટના બાદ મંતવ્ય ન્યૂઝે ગાંધીનગર જિલ્લાના કલેક્ટર સાથે વાત કરી હતી. જેમાં કલેક્ટર એસ.કે. લાંગાએ પત્રકાર પર થયેલા હુમલા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્ત સંવાદદાતાને યોગ્ય સારવાર મળી રહે તે માટે તેમણે કલોલના અધિકારીઓને સૂચના આપી દીધી છે તેમ જણાવ્યું હતું.
