Arvalli News: અરવલ્લીમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા મેગા ઓપરેશન હાથ ધર્યું. અરવલ્લી પંથકમાં ખનીજ માફિયો બેફામ બન્યા છે. રાજ્યમાં કચ્છ બાદ અરવલ્લી પંથકમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે. ડમ્પરોમાં રોયલ્ટી કરતાં વધુ પ્રમાણમાં રેતી ભરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. ખનીજ માફિયાઓ તંત્ર કે કાયદાના ડર વગર નિયમ વિરુદ્ધ રેતીનું ખનન કરી રહ્યા છે. ખનીજ માફિયાઓ રેતીની ચોરી કરી કુદરત સાથે ચેડા કરી રહ્યા છે.
રાજ્યમાં રાજસ્થાન સુધી વગર રોયલ્ટીએ રેતી લઇ જવાનું મોટું કૌભાંડ પકડાયું. અગાઉ પણ અરવલ્લીમાં રેતી ખનનને લઈને દરોડા પાડવામાં આવ્યા છે. માલપુર પંથકમાં પેટ્રોલીંગ દરમ્યાન ત્રણ ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. આ દરોડામાં ખાણ ખનીજ વિભાગે અંદાજીત રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં ખાણ ખનીજ વિભાગની નજર ચૂકવી ધનસુરા, માલપુર, બાયડ અને મોડાસામાં રેતી ભરેલા ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે. રોયલ્ટી ચોરીને લઈને સરકારની તિજોરીને મસ મોટું નુકસાન થયું.
અરવલ્લી પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બની નદીની રેતીની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આમ જોઈએ તો નદીની રેતી સામાન્ય કહેવાય પરંતુ ખનીજની દ્રષ્ટિએ વધુ કિમંતી છે. છેલ્લા કેટલાક સમયમાં વાતાવરણમાં બહુ મોટા ફેરફાર થતા અનેક દુર્ઘટનાઓ બની રહી છે. આથી પર્યાવરણશાસ્ત્રીએ ખનીજ સંપત્તિની મૂલ્યવાન ગણાવી છે. અને તેથી જ વહીવટીતંત્ર દ્વારા રેતી લઈને જવાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અગાઉ માલપુર પંથકમાં રેતી ખનન થતું હતું ત્યારે હાલમાં મળેલ માહિતી મુજબ ધનસુરા, માલપુર, બાયડ અને મોડાસા જેવા વિસ્તારોમાં રોયલ્ટી કરતા વધુ પ્રમાણમાં રેતી ભરવાનું કારસ્તાન થઈ રહ્યું છે. ઓવેરલોડ અને નિયમો વિરુદ્ધ ફરતા રેતીના ડમ્પરો સામે જીલ્લા પોલીસ પણ મુક પ્રેષક બની છે. રેતી ખનનને લઈને ખાણ ખનીજ અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થયા છે.