Usa News : અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં છેલ્લા 6 દિવસથી લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જેના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. ઘણા લોકો ગુમ થવાની આશંકા છે.ભારે પવનને કારણે આગનો ફેલાવો વધ્યો છે. હાલમાં તે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ રહ્યો છે. અમેરિકાને આગ પર કાબૂ મેળવવામાં મદદ કરવા માટે મેક્સિકોથી ફાયર ફાઈટર્સ પહોંચ્યા છે.
આગના સંકટ વચ્ચે કેલિફોર્નિયાના સાંતા મોનિકા શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે, જે બાદ વહીવટીતંત્રે કર્ફ્યુ જાહેર કર્યો છે. આ કેસમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.રોઇટર્સના જણાવ્યા અનુસાર, લોસ એન્જલસ (LA)માં આગને કારણે અત્યાર સુધીમાં આશરે રૂ. 11.6 લાખ કરોડ (135 બિલિયન ડોલર)નું નુકસાન થવાનો અંદાજ છે. અહીં આગ પર અમુક અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આગથી 16 લોકોના મોત અને 12,000થી વધુ ઇમારતો નાશ પામી ભારે પવનોએ લોસ એન્જલસમાં જંગલની આગને વધુ વિકરાળ બનાવી દીધી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે આગમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને 12,000થી વધુ ઇમારતો નાશ પામી હતી. ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારે પવન તેમના કામને મુશ્કેલ બનાવી રહ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આજે રાત્રે અને સોમવારથી શરૂ થતા અઠવાડિયાના પ્રથમ થોડા દિવસોમાં ભારે પવનની શક્યતા છે, જેનાથી આગ વધુ ફેલાવાનું જોખમ વધી શકે છે.
લોસ એન્જલસ કાઉન્ટીના ચાર વિસ્તારોમાં જંગલની આગ ફેલાઈ ગઈ છે અને વિનાશ કરી રહી છે. પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ છે. આગ વધારાના 1,000 એકરમાં ફેલાઈ ગઈ છે, જેમાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયાં છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર થયા છે. ઈર્ટન અને અન્ય વિસ્તારો પણ જંગલની આગના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. લોસ એન્જલસમાંથી 100,000થી વધુ રહેવાસીઓ વિસ્થાપિત થયા છે.
લોસ એન્જલસ કાઉન્ટી પોલીસ વિભાગે જણાવ્યું કે 16 મૃતકો સિવાય 13 લોકો હજુ પણ ગુમ છે. ડોગ સ્કવોડની મદદથી આગ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલાં ઘરો અને અન્ય ઈમારતોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી પીડિતોને બચાવી શકાય અને જો કોઈ મૃત્યુ થયું હોય તો મૃતદેહો બહાર કાઢી શકાય.
પ્રીતિ ઝિન્ટાએ કહ્યું- હું અને મારો પરિવાર સુરક્ષિત છીએ, ભગવાનનો આભાર લોસ એન્જલસના ઈતિહાસમાં સૌથી ભયંકર જંગલની આગ આખા શહેરમાં ફેલાઈ અને ઘણા હોલિવૂડ સેલેબ્સનાં ઘરોને રાખ કરી દીધાં. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પોતાના પરિવાર સાથે વિદેશમાં રહે છે. તેણે આ અપડેટ ફેન્સ સાથે શેર કર્યું છે. પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર એક અપડેટ શેર કર્યું અને ચાહકોને ખાતરી આપી કે તે અને તેનો પરિવાર લોસ એન્જલસમાં ચાલી રહેલી જંગલની આગ વચ્ચે “અત્યાર સુધી” સુરક્ષિત છે.
અભિનેત્રીએ x પર લખ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એવો દિવસ જોઈશ જ્યારે લોસ એન્જલસમાં અમારી આસપાસના વિસ્તારોમાં આગ લાગશે, મિત્રો અને પરિવારોનાં ઘર કાં તો ખાલી કરવામાં આવશે કે હાઈ એલર્ટ અપાશે. ધુમાડાના આકાશમાંથી બરફની જેમ રાખ વરસશે અને જો પવન શાંત નહીં થાય તો શું થશે તે અંગે ભય હશે, અમારી સાથે નાનાં બાળકો અને દાદા દાદી હશે.”અભિનેત્રીએ વધુમાં લખ્યું, “મારી આસપાસના વિનાશથી હું દુઃખી છું અને ભગવાનની આભારી છું કે અમે હજી પણ સુરક્ષિત છીએ.
” અભિનેત્રીએ આગળ વિસ્થાપિત થયેલા અથવા આગમાં બધું ગુમાવનારા લોકો માટે તેની સંવેદના વ્યક્ત કરતા પ્રાર્થના કરી. તેણે ફાયર વિભાગ, ફાયર ટીમના જવાનો અને જાન-માલને બચાવવામાં મદદ કરનાર દરેકનો આભાર માન્યો હતો.લોસ એન્જલસ વોટર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આગ લાગતા પહેલાં કેલિફોર્નિયામાં તમામ વોટર હાઇડ્રેન્ટ્સ સંપૂર્ણ રીતે કાર્યરત હતા. આગ ઓલવવા માટે પાણીની વધુ માંગને કારણે સિસ્ટમ પર પ્રેશર વધ્યું અને જળસ્તરમાં ઘટાડો થયો.
તેના કારણે 20% વોટર હાઇડ્રેન્ટ્સને અસર થઈ. ખરેખરમાં, કેલિફોર્નિયામાં ઘણી જગ્યાએ વોટર હાઇડ્રેન્ટ્સ ખાલી થઈ ગયા છે. NYT મુજબ, રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂઝોમે શુક્રવારે વોટર હાઇડ્રેન્ટમાં આટલી ઝડપથી પાણી કેવી રીતે ખતમ થઈ ગયું તેની તપાસનો આદેશ આપ્યો હતો.કેલિફોર્નિયામાં લાગેલી આગમાં અત્યાર સુધી શું-શું થયું…
પેરિસ હિલ્ટન, ટોમ હેન્ક્સ, સ્ટીવન સ્પીલબર્ગ જેવી હોલિવૂડ સેલિબ્રિટીઓનાં ઘર સળગી ગયાં હતાં.
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ઘર ખાલી કરાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ જો બાઈડને તેમની ઇટાલીની મુલાકાત રદ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે આગ માટે વર્તમાન બાઈડન સરકારને જવાબદાર ગણાવી અને કહ્યું- આ મારા માટે છોડીને બાઈડન જઈ રહ્યા છે.
આ પણ વાંચો: લોસ એન્જલસમાં આગ કાબૂ બહાર, 10 હજારથી વધુ ઇમારતો નાશ પામી; 10 લોકોના થયા મોત
આ પણ વાંચો: લોસ એન્જલસમાં લાગેલી આગમાં 3 અબજ રૂપિયાનું આલીશાન મકાન બળી ગયું, વીડિયો વાયરલ
આ પણ વાંચો: લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ, હોલીવુડની ઘણી હસ્તીઓના બંગલા બળીને રાખ; રાજ્યપાલે કટોકટી લાદી