Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મેરઠ શહેર (Meerut)માં વાંદરાઓના વધતા આતંકથી પરેશાન વોર્ડ-60ના લોકોએ બુધવારે
અનોખી રીતે વિરોધ કર્યો હતો. લોકો વાંદરાના મુખોટા પહેરીને કમિશનરી પહોંચ્યા અને વાંદરાઓને પકડવાની માંગ કરી હતી.લોકોનું
કહેવું છે કે છેલ્લા લગભગ બે મહિનાથી વિસ્તારમાં અચાનક 200 થી 300 વાંદરાના ટોળાં ફરી રહ્યાં છે.
Meerutમાં વાંદરાઓથી લોકો પરેશાન
સ્થાનિકોના જણાવ્યા મુજબ દિવસ હોય કે રાત, વાંદરાઓ રસ્તાઓ અને ઘરોની આસપાસ બેઠા રહે છે. આરોપ છે કે વાંદરાઓ ઘરોની પાણીની ટાંકીઓ તોડી નાખે છે. સૂકવવા માટે મૂકેલાં કપડાં ફાડવા ઉપરાંત અન્ય સામાનને પણ નુકસાન પહોંચાડે છે.
ભાજપ (BJP) ના કોર્પોરેટર રેખા સિંહ અને પૂર્વ કોર્પોરેટર નીરજની આગેવાનીમાં વોર્ડ-60 ના લોકોએ ડીએમ (DM) ને આવેદનપત્ર આપ્યું. લોકોએ જણાવ્યું કે વિસ્તારમાં અનેક સ્કૂલો છે અને તેમની બહાર પણ મોટી સંખ્યામાં વાંદરા જમા રહે છે. એટલે સ્કૂલે આવતા-જતા નાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ડર છે.
અનેક લોકોને વાંદરાએ બચકાં ભર્યાનો દાવો
લોકોનો આરોપ છે કે વાંદરાઓના હુમલામાં અનેક લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. તેમના કહેવા મુજબ તાજેતરમાં એક કોર્પોરેટર અને તેમના પુત્રને વાંદરાએ બચકાં ભર્યાં હતાં. એક વૃદ્ધને પણ વાંદરાએ બચકું ભર્યાની વાત કહેવાઈ છે.
પૂર્વ કોર્પોરેટર નીરજે કહ્યું કે નગર નિગમ અને વન વિભાગ (Forest Department) ના અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે નગર સ્વાસ્થ્ય અધિકારી અને વન વિભાગને ઘણી વાર ફોન કરીને ફરિયાદ કરાઈ, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. નીરજે કહ્યું કે કોઈ મોટી ઘટના બને અને પછી પ્રશાસન જાગે, તે પહેલાં જ વાંદરાઓને પકડવા જોઈએ.
અનેક જગ્યાએ 200 થી 300 વાંદરાના ટોળાં

નીરજે જણાવ્યું કે વિસ્તારની મોડર્ન સ્કૂલ, ફોરવેલી સ્કૂલ, જેમિની પબ્લિક સ્કૂલ અને ડેફોડિલ સ્કૂલ આસપાસ મોટી સંખ્યામાં વાંદરા જમા રહે છે. તેમનું કહેવું છે કે અનેક જગ્યાએ 200 થી 300 વાંદરાના ટોળાં જોવા મળે છે. તેમણે કહ્યું કે વાંદરાના ડરથી બાળકો અને વૃદ્ધોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
અધિકારીઓનું ધ્યાન ખેંચવા પહેર્યાં મુખોટા
પ્રદર્શનકારીઓએ કહ્યું કે વાંદરાના મુખોટા પહેરીને વિરોધ એટલા માટે કર્યો, જેથી અધિકારીઓનું ધ્યાન આ સમસ્યા તરફ ખેંચી શકાય. લોકોએ માંગ કરી કે ડીએમ, નગર નિગમ અને વન વિભાગના અધિકારીઓને સાથે બેસાડી જવાબદારી નક્કી કરવામાં આવે અને જલદી વાંદરાઓને પકડવાની કાર્યવાહી કરાય.
આ પણ વાંચો:સંશોધન પ્રયોગશાળામાંથી 43 વાંદરાઓ છટકી ગયા; પોલીસે એલર્ટ જાહેર કર્યું
આ પણ વાંચો:અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં વાંદરાઓનો ભારે ત્રાસ
આ પણ વાંચો:વાંદરાએ ઘરમાં ઘુસીને સૂતેલા વ્યક્તિને મારી થપ્પડ,વીડિયો વાયરલ
