Gandhinagar News: ગુજરાતમાં વરસાદ મેઘમહેરમાંથી હવે મેઘકહેરમાં પરિવર્તીત થઈ રહ્યો છે ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. તે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરવાના છે.

સીએમ ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના દ્વારિકા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારો ગળાડૂબ છે. એનડીઆરએફની ટીમ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં ખડેપગે છે અને રાહત તેમજ બચાવની કામગીરી કરી રહી છે. ચોતરફ પાણી જ પાણી છે.

સીએમ બપોરે પોણા ચાર કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જાત માહિતી મેળવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ અનરાધાર છે અને છેલ્લા 24 કલાકમાં તે 168 તાલુકામાં ખાબક્યો છે. આમ રાજ્યમાં મેઘમહેર જળવાઈ રહી છે. તેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં પડ્યો હતો. ચાર કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા આખુ કલ્યાણપુર જળબંબાકાર થઈ ગયું હતું. ક્યાંય રસ્તા જ દેખાતા ન હતા. લોકોના ઘરોમાં પાણી ભરાતા હતા. આખું કલ્યાણપુર કેડસમા પાણીમાં આવી ગયું હતું. એનડીઆરએફની ટીમે કેટલાય લોકોને બચાવ્યા હતા.

આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં સવા દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં પોણા નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેશોદમાં પોણા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દ્વારકા તાલુકામાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો. માળિયા હાટિનામાં સવા છ ઇંચ ખાબક્યો હતો. ચીખલીમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કામરેજમાં છ ઇંચ અને ઉપલેટામાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું
