ગુજરાતમાં વરસાદની મહેર અવિરતપણે ચાલુ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. ભારે વરસાદના લીધે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ર-સોમનાથ, રાજકોટ બાદ હવે મેઘરાજાએ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને ઘમરોળવાનું શરૂ કર્યું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન રાજ્યના 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ સાડા 8 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં છેલ્લા 4 કલાક દરમિયાન 8 ઈંચ વરસાદ પડતા અનેક વિમસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા મુજબ આજે દિવસ દરમિયાન 18 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ખંભાળીયા અને વિસાવદર ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડામાં સાડા 6 ઈંચ, ધરમપુરમાં 3, દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ તેમજ ભાવનગર જિલ્લાના મહુવામાં અઢી ઈંચ વરસાદ પડયો છે.નોંધનીય છે કેસાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે ખાબકેલા વરસાદના આંકડા જોઈએ તો, આ બે કલાક દરમિયાન રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી વલસાડના કપરાડામાં પોણા 4 ઈંચ વરસાદ તેમજ ધરમપુરમાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.વિસાવદરમાં ધોધમાર 8 ઈંચ વરસાદના પગલે રસ્તા પર રીતસરની નદીઓ વહેવા લાગી હતી. પૂર આવવાની શક્યતાને જોતા નીચાણવાળા ગ્રામજનોને સાવચેત રહેતા તેમજ શક્ય હોય તો સલામત સ્થળે જતા રહેવાની સૂચના આપવામાં આવી છે.
