Gujarat IMD Update/ મહેસાણા-બનાસકાંઠામાં ભારે વરસાદે વેર્યો વિનાશ, શાળાઓ બંધ અને લોકોને સ્થળાંતર કરાવાયા…

આગાહી બાદ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં તંત્ર સતર્ક બની ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસતા વરસાદે લોકોના જીવનમાં ખલેલ

Top Stories Gujarat Others Breaking News

Gujarat IMD News: ગુજરાતના ઉત્તર જિલ્લામાં વરસાદી ત્રાટક ચાલુ જ છે. હવામાન વિભાગ(IMD)ની આગાહી બાદ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં તંત્ર સતર્ક બની ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસતા વરસાદે લોકોના જીવનમાં ખલેલ પહોંચાડી છે.

સુઈગામમાં 16 ઇંચ વરસાદ

બનાસકાંઠાના સુઈગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ વરસાદ નોંધાયો છે. આટલો ભારે વરસાદ પડતા સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાભર પંથકમાં તોફાની વરસાદ

બનાસકાંઠાના ભાભરમાં છેલ્લા 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચોમેર પાણી ભરાઈ ગયું છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતા લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે અને પાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે.

પાટણ જિલ્લામાં તળાવ ઓવરફ્લો

પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ થયો છે. બરારા ગામનું તળાવ ઓવરફ્લો થતા બરારા તથા વૌવા ગામમાં પાણી ઘૂસી ગયાં છે. સાંતલપુરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ છે.

ભીલડીમાં રસ્તા પાણી પાણી

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામે મુશળધાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. પંચવટી સોસાયટીમાં તો મુખ્ય માર્ગ પર ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી સર્જાઈ છે. દર વર્ષે આવો જ પ્રશ્ન ઉભો થતો હોવા છતાં સ્થાનિક તંત્ર નિષ્ક્રિય  છે.

મહેસાણામાં મેઘરાજાનો પગપેસારો 

મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં કુલ 332 મીમી વરસાદ ખાબક્યો જેમાં વિજાપુરમાં 51 મીમી, બહુચરાજીમાં 46 મીમી, કડીમાં 41 મીમી, મહેસાણામાં 40 મીમી અને વિસનગરમાં 33 મીમી વરસાદ નોંધાયો. જોટાણા અને ખેરાલુમાં પણ 30 મીમી વરસાદ પડ્યો.

સતત વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક 38,282 ક્યુસેક નોંધાઈ છે. હાલ ડેમનો એક ગેટ એક ફૂટ ખોલાયો છે અને ડેમની સપાટી 618.30 ફૂટ પહોંચી છે. ડેમમાં હાલ 85.86 ટકા પાણી ભરાયું છે.

મહેસાણામાં શાળાઓ બંધ

ભારે વરસાદને લઈ મહેસાણા જિલ્લાના કલેક્ટરે આજે તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો. આ અંગે કલેક્ટરે પોતાના સત્તાવાર X પર જાહેરનામું કરી નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું.

જિલ્લામાં આજે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ છે જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને વરસાદી પરિસ્થિતિમાં અવરજવર કરવી ન પડે.

બનાસકાંઠામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે(IMD) બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિયોદર વિસ્તારમાં સતત ત્રણ દિવસથી સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પંચાયતે તાત્કાલિક સ્થળાંતર કરાવ્યું.

રાત્રી દરમિયાન 15થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સરકાર દ્વારા પ્રાથમિક શાળા નં. 8 અને 10માં લોકોને રહેવાની સુવિધા આપવામાં આવી છે.

ભારે વરસાદની અસર

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બઘટાડી બોલાવી છે.

સુઈગામમાં 16 ઇંચ,

ભાભરમાં 13 ઇંચ,

વાવમાં 12 ઇંચ,

જ્યારે થરાદમાં 11.73 ઇંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદ અને પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થયા અને અનેક ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. સરહદે આવેલા નડાબેટના રણપ્રદેશમાં પણ વરસાદે સાગર જેવી સ્થિતિ પેદા કરી છે.

શૈક્ષણિક કાર્ય બંધ

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા હોવાથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.

ત્રણ તાલુકામાં શાળાઓ બંધ રાખવાનો આદેશ જાહેર થયો છે. આ નિર્ણયથી વાલીઓમાં રાહત છે કારણ કે બાળકોની સુરક્ષા પ્રાથમિકતા પર રાખવામાં આવી છે.

તંત્રની કાર્યવાહી

જિલ્લા વહીવટી તંત્રોએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. SDRF અને પોલીસની ટીમો તાત્કાલિક મદદ માટે તૈનાત છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરોએ સ્પષ્ટ સૂચના આપી છે કે નાગરિકોએ અનાવશ્યક બહાર ન નીકળવું, ખાસ કરીને નદી-નાળાની આસપાસ જવું નહીં. જો પરિસ્થિતિ વણસે તો તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની કાર્યવાહી હાથ ધરાશે.

મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શાળાઓ અને કોલેજો બંધ છે, અનેક ગામોમાં સ્થળાંતરની ફરજ પડી છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા છે, પરંતુ હાલ તંત્ર સંપૂર્ણ સતર્ક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:SC/ST ક્વોટાનો મામલો ગંભીર છે, પરંતુ અનામતનો આદેશ આપી શકાતો નથી; સુપ્રીમ

આ પણ વાંચો:મહિલાઓ, SC/ST અને પછાત વર્ગો માટે મોટી જાહેરાત, 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે

આ પણ વાંચો:હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં પણ મળશે અનામત