Mehsana News/ સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ મહેસાણા પોસ્ટ ઓફિસ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ

સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી મળતા મહેસાણા (Mehsana) મુખ્ય પોસ્ટ ઓફિસમાં અફરાતફરી. પોલીસ, SOG અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

Gujarat Top Stories Others
Mehsana Head Post Office Bomb Threat

Mehsana Head Post Office Bomb Threat: સુરતમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીના પડઘા મહેસાણામાં પણ પડ્યા છે. સુરક્ષાના ભાગરૂપે મહેસાણાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં તાત્કાલિક અસરથી હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધમકીના ઈમેલ બાદ સાવચેતીના પગલાં રૂપે સમગ્ર પરિસરને ખાલી કરાવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સવારે 10:58 વાગ્યે આવ્યો ધમકીનો મેઈલ

મહેસાણાના હેડ પોસ્ટ માસ્તર આર.એમ. રબારીના જણાવ્યા અનુસાર, આજે સવારે 10:58 કલાકે વડી કચેરી તરફથી એક મહત્વનો ઈમેઈલ મળ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતની પાસપોર્ટ હેડ ઓફિસને બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ગંભીર સૂચના મળતા જ મહેસાણા પોસ્ટ ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

Mehsana Head Post Office Bomb Threat

Mehsana : પોલીસનો કાફલો અને ડોગ સ્ક્વોડ દોડી આવ્યા

ધમકીના સમાચાર મળતા જ મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો વિસનગર રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો. સુરક્ષાને અત્યંત ગંભીરતાથી લેતા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) જેવી મહત્વની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. આ કામગીરીમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી, જેના દ્વારા પોસ્ટ ઓફિસના દરેક વિભાગ અને ખૂણેખૂણામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ સંભવિત અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ગ્રાહકોમાં ફફડાટ, પરિસર ખાલી કરાવાયું

અચાનક પોલીસનો કાફલો ઉતરી આવતા અને પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવતા ત્યાં હાજર ગ્રાહકો અને સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અત્યારે દરેક વિભાગ, પાસપોર્ટ કચેરી અને નાનામાં નાની જગ્યાએ તપાસ કરી રહી છે જેથી કોઈ સંદિગ્ધ પદાર્થ મળી ન આવે. હાલમાં મહેસાણા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી