Mehsana News: ગુજરાતના મહેસાણા-બહુચરાજી હાઈવે પર સામેત્રા ગામ નજીક આવેલા APN સલ્ફર પ્લાન્ટમાં ગત મોડી રાત્રે લાગેલી ભયંકર આગે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો. આ દુર્ઘટનામાં બે શ્રમિકોના ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યા, જ્યારે બે અન્ય શ્રમિકોને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાએ ફેક્ટરીઓમાં સલામતીના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
14 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 3 વાગ્યે, APN સલ્ફર પ્લાન્ટમાં કાચો માલ સૂકવવા માટે બોઈલરમાં નાખવામાં આવતો હતો, તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી. પ્લાન્ટના બીજા માળે 6 મજૂરો સફાઈનું કામ કરી રહ્યા હતા, જ્યાં આગ ઝડપથી ફેલાઈ. પ્રત્યક્ષદર્શી મજૂર વિનય પાસવાને જણાવ્યું, “હું સૂતો હતો, કારણ કે મારી ડ્યુટી દિવસની હતી. જ્યારે હું બહાર આવ્યો, ત્યારે ફુલચંદ સળગતી હાલતમાં મારી સામે આવી રહ્યો હતો. મેં આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું મોત થઈ ગયું.”
આગ પર કાબૂ મેળવ્યા બાદ, પ્લાન્ટની તપાસ દરમિયાન બે શ્રમિકો, ફુલચંદ (મહારાષ્ટ્ર) અને મનીષ (બિહાર),ના ભડથું થયેલા મૃતદેહ મળી આવ્યા. ફુલચંદ છેલ્લા 5 વર્ષથી પ્લાન્ટમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો, જ્યારે મનીષે 4 મહિના પહેલાં જ નોકરી શરૂ કરી હતી. આ ઉપરાંત, ચાર અન્ય શ્રમિકો ઘાયલ થયા, જેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ તે પહેલાં જ પ્લાન્ટના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગની તીવ્રતાને કારણે નુકસાન ટાળી શકાયું નહીં. ઘટના બાદ ધુમાડો દૂર થતાં જ બીજા માળે મનીષનો સળગેલો મૃતદેહ પણ મળી આવ્યો.
ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ અને શ્રમિકોના મોતની પાછળના સંજોગોની તપાસ શરૂ કરવામાં આવી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ, તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:ખંભાતના સોખડા GIDCમાં ગમખ્વાર દુર્ઘટના, કેમિકલ ટાંકો સાફ કરતાં 2 શ્રમિકોના મોત
આ પણ વાંચો:ખંભાતમાં પુલનો સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયાં, એકનું મોત
આ પણ વાંચો:કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકોના મોત
