Surat News: સુરતના મોટા વરાછામાં (Mota Varachha Fire) દુખિયાના દરબાર રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં મધરાતે ગાર્ડન વેસ્ટના વિશાળ ઢગલામાં ભીષણ આગ લાગી હતી. સૂકાં પાંદડાં, ઝાડની ડાળીઓ અને વૃક્ષોના અવશેષોના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા છ ફાયર સ્ટેશનની ટીમો અને આશરે 40થી 50 જવાનોએ આખી રાત કામગીરી કરી હતી. 10 કલાકથી વધુ સમયની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ દરમિયાન પાંચ ફાયર જવાનો લપસી પડતાં ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ, છેલ્લા બે મહિનામાં આ જ સ્થળે વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે ગાર્ડન વેસ્ટના નિકાલ અંગે સવાલો ઊભા થયા છે.
Mota Varachha Fire: મધરાતે 1:30 વાગ્યે આગ લાગી, રહેણાક વિસ્તારમાં ધુમાડો ફેલાયો
ફાયર કંટ્રોલ રૂમને મળેલી માહિતી મુજબ, મધરાતે આશરે 1:30 વાગ્યે મોટા વરાછામાં કર્માનંદ બંગલો પાસે દુખિયાના દરબાર રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. પ્લોટમાં સૂકાં પાંદડાં, ઝાડની ડાળીઓ અને ગાર્ડન વેસ્ટનો મોટો જથ્થો હોવાથી આગ (Garden Waste Fire Surat) ઝડપથી ફેલાઈ હતી. આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને આસપાસના રહેણાક વિસ્તારો સુધી ધુમાડો પહોંચ્યો હતો.
છ ફાયર સ્ટેશનની ટીમો, 3 લાખ લિટર પાણીનો ઉપયોગ
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોટા વરાછા, કોસાડ, વરિયાવ, અશ્વિનીકુમાર અને સરથાણા સહિતનાં ફાયર સ્ટેશનોની ટીમોને (Surat Fire Brigade) ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. કુલ છ ફાયર ટેન્ડર અને આશરે 40થી 50 ફાયર જવાનોએ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર ઓફિસર રાકેશ ગાવિત સહિતની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. મળેલી વિગતો અનુસાર, આગ પર કાબૂ મેળવવા અંદાજે 2.5થી 3 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સવારે આશરે 10:30 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જ્યારે ત્યારબાદ પણ પ્લોટમાં કૂલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
કામગીરી દરમિયાન પાંચ જવાનોને ઈજા, સ્મીમેરમાં સારવાર
આગ ઓલવવાની કામગીરી દરમિયાન પ્લોટની અસમતલ સપાટી અને ખાડા-ટેકરાને કારણે પાંચ ફાયર જવાનો લપસી પડ્યા હતા. તેમને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં (SMIMER Hospital) ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર અને પાટાપિંડી બાદ તમામ જવાનોને રજા આપવામાં આવી હતી. સદનસીબે કોઈ જવાન દાઝ્યો ન હોવાનું જણાવાયું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે મહિનામાં આ જ સ્થળે ત્રણથી ચાર વખત આગ લાગવાની ઘટના બની છે. આથી વરાછા ‘બી’ ઝોનમાંથી નીકળતા ગાર્ડન વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.
સ્થાનિકો અને જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે ગાર્ડન વેસ્ટને પ્રોસેસિંગ પ્લાન્ટમાં લઈ જવાને બદલે ખુલ્લા પ્લોટમાં ઠાલવવામાં આવે છે. કેટલાક લોકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે કચરાના નિકાલના ખર્ચમાંથી બચવા કે બિલોની પ્રક્રિયાને લઈને કોઈ ગેરરીતિ તો નથી થઈ રહી ને? જોકે, કચરો જાણીજોઈને સળગાવવામાં આવ્યો હોવાની કે કૌભાંડ થયાની બાબતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
વારંવાર આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ સમગ્ર મામલે તપાસ કરવાની માગ કરી છે. ગાર્ડન વેસ્ટ અહીં કેવી રીતે એકત્ર કરવામાં આવે છે, તેનો નિકાલ કઈ રીતે થાય છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: વડોદરામાં ત્રણ માળના મકાનમાં આગ, બાથરૂમમાં ફસાયેલી યુવતીનું રેસ્ક્યૂ
આ પણ વાંચો: દાણીલીમડા પોલીસ સ્ટેશન પાછળ આગનો તાંડવ! 20થી વધુ વાહનોને નુકસાન
આ પણ વાંચો: વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીની સાડીની દુકાનમાં નાસભાગ, અકોટામાં ત્રણનું રેસ્ક્યૂ
