Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 2025 સુધીમાં ટી.બી.મુક્ત ભારત (TB Free India)નો સંકલ્પ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વડાપ્રધાનના આ સંકલ્પને પાર પાડવા ગુજરાતની પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકાર વધુ એક કદમ આગળ વધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની અધ્યક્ષતામાં 6 માર્ચ, ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (LCIF) વચ્ચે ન્યુટ્રીશન કિટ પૂરી પાડવા અંગે એમ.ઓ.યુ. થયા છે. આ એમ.ઓ.યુ. અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (Lions Club International Foundation) ટી.બી.ના દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાશે અને પોષણ કિટ પૂરી પાડીને ટી.બી.મુક્ત ભારતમાં યોગદાન આપશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે રાજ્ય સરકારના પ્રયાસોમાં સ્વૈચ્છિક સંસ્થાઓની પ્રતિબદ્ધતા ભળશે તો વડાપ્રધાનની ટી.બી.મુક્ત ભારતની સંકલ્પના ચોક્કસ સાકાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટી.બી.ના દર્દીઓને સારવારની સાથે સાથે પોષણયુક્ત આહારની પણ જરુરિયાત રહે છે. આથી જેમ-જેમ ટી.બી.ના દર્દીઓ શોધાય અને સારવાર હેઠળ મુકાય તેમ તેમ આ દર્દીઓને ન્યુટ્રીશન કિટ માટે નિક્ષય મિત્રની જરૂરિયાત રહેતી હોય છે.
કેન્દ્ર સરકારના ટી.બી.મુકત ભારત અભિયાન અંતર્ગત ટી.બી. નિર્મૂલન કામગીરીને વેગ મળે તે માટે રાષ્ટ્રપતિશ્રીએ પણ નવીન પહેલ અંતર્ગત ટી.બી.ના દર્દીઓને કોર્પોરેટ સેકટર, સ્વૈચ્છિક સંસ્થાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, રાજકીય પાર્ટીઓ, સંસ્થાઓ દ્વારા પોષણયુકત આહાર, વૉકેશનલ સપોર્ટ, નિદાન અને અન્ય જરૂરીયાત મળી રહે તેવું આયોજન કરવા તાકીદ કરી છે.
આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 10,555 નિક્ષય મિત્રોનું નિક્ષય પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા ટી.બી.ના દર્દીઓને પોષણયુકત આહાર માટે 3,49,534 પોષણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશને ટી.બી.મુકત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર બની ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કિટ આપવા ઉત્સાહ દર્શાવ્યો છે તેના ભાગરૂપે ટી.બી.ના દર્દીઓને દત્તક લેવા અને ન્યુટ્રીશન સપોર્ટ પૂરો પાડવા માટે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમ.ઓ.યુ.) કરવામા આવ્યાં છે. આ એમ.ઓ.યુ. અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ઓળખાયેલા જરૂરિયાતમંદ તમામ ટી.બી.ના દર્દીઓને દર માસે સારવાર ચાલુ રહે ત્યાં સુધી ન્યુટ્રીશન કિટ આપવામા આવશે.
આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, ડૉ. રતનકંવર ગઢવી ચારણ, લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના હોદ્દેદાર રમેશભાઈ પ્રજાપતિ, ફ્રેન્ક મૂર તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:આરોગ્ય કર્મીઓ આવતીકાલે ધરણાં પર બેસશે
આ પણ વાંચો:કમળાના કુલ 52 કેસ નોંધાયા, આરોગ્યની 18 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી
આ પણ વાંચો:નર્સિંગ પરીક્ષા વિવાદમાં નવો વળાંક, GTUએ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ