Vadodara News : વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. અક્ષર ચોક વિસ્તારમાં આવેલી 8 માળની મેપલ વિસ્ટા બિલ્ડીંગ પરથી કૂદીને આ યુવકે આપઘાત કરી લીધો હતો. MS યુનિવિર્સિટીમાં મિકેનિકલ એન્જિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરવા બિલ્ડીંગ પર ચડેલા યુવકને એક જાગૃત નાગરિક જોઇ ગયો હતો અને તાત્કાલિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરી હતી. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવાને મોતની છલાંગ લગાવી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વડોદરા શહેરનો 22 વર્ષીય યુવક એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને કામ અર્થે નિકળ્યો હતો અને આ દરમિયાન તે મેપલ વિસ્ટા બિલ્ડીંગ પર ચડી ગયો હતો અને આઠમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. જો કે, આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઘટનાની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 108 એમ્બ્યુલન્સની ટીમે વિદ્યાર્થીને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, વિદ્યાર્થીનું સ્થળ પર જ મોત થયું હતું. જે.પી. રોડ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે.ઘટનાને નજરે જોનાર પ્રત્યક્ષદર્શી સમીર શાહે જણાવ્યું હતું કે, હું મારા મિત્રો સાથે સંકેત હાઇટ્સના આઠમા માળે ઉભો હતો. એ સમયે એક વ્યક્તિ મેપલ વિસ્ટા બિલ્ડીંગની પાળી પર ફરતો જોવા મળ્યો હતો. જેથી મને શંકા ગઈ હતી અને મે તુરંત જ 100 નંબર ઉપર ફોન કર્યો હતો. જો કે આ સમયે જ તેને કૂદકો મારી દીધો હતો, જેથી હું શોક થઈ ગયો હતો. અમે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. આ યુવક અમારાથી 200થી 300 મીટરની દૂરી પર હતો અને અમને જોયા પછી તુરંત કૂદી ગયો હતો.
જેથી અમે તેને બચાવી શક્યા નહોતા. જો સમય મળ્યો હોત તો અમે તેને ચોક્કસથી બચાવી શક્યા હોત.વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નંદકિશોર સોલંકીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળ્યો હતો કે, 8 માળની મેપલ વિસ્ટા બિલ્ડીંગ પર એક યુવક ચડ્યો છે અને તેને આપઘાત કરતો રોકવા માટે અમે ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. જો કે, અમે પહોંચીએ તે પહેલા યુવક બિલ્ડીંગ પરથી કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું.
આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી
આ પણ વાંચો:રાજકોટના ધોજીમાં દારૂ પીવા મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
