Rajkot News : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવી બાબતે હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત મુજબ બે દિવસ પહેલા ધોરાજીની નવી શાકમાર્કેટ પાસે ગંદા પાણીના નિકાલના બુગદામાંથી એક 45 વર્ષીય આધેડની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતીઆ મામલે પોલીસે તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ ધોરાજીના રામપરા વિસ્તારના બટુકભાઈ નરસિંહભાઈ મકવાણાની હોવાનું સામે આવ્યું હતું. ધોરાજી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના પત્નીની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જે તપાસ દરમિયાન બટુકભાઈની હત્યા તેના જ મિત્ર વિક્રમ મકવાણાએ નિપજાવી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બે દિવસ પહેલા ભગવતસિંહજી શાકમાર્કેટમાં આવેલ બુગદામાંથી બટુકભાઈ મકવાણા (ઉ.વ.45)ની નગ્ન હાલતમાં લાશ મળી આવતા ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ સ્ટાફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પોલીસે હત્યા થઇ હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરી હતી.
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ધોરાજીના ASP સીમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ કે.એસ.ગળચર દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આ ઘટના પાછળ અન્ય કોઈ નહિ પરંતુ મૃતકનો મિત્ર જ સંડોવાયેલ હોવાની માહિતી મળતા પોલીસે ગણતરીની કલાકમાં હત્યારા મિત્ર વિક્રમ મકવાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આરોપી વિક્રમ મકવાણાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બટુક અને વિક્રમ વચ્ચે ગાઢ મિત્રતા હતી.
હત્યા કરતા પૂર્વે મિત્રને દારૂ પીવા માટે બોલાવી બાદમાં નશાની હાલતમાં ભાન ભૂલી મિત્રને પત્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ કોઈને શંકા ન જાય તે માટે લાશને ધોરાજીની બંધ પડેલ સર ભગવતસિંહજી શાકમાર્કેટમા આવેલ બૂગદામાં નાખી દીધી હતી. બન્ને મિત્રો દારૂના નશામાં હતા દરમિયાન દારૂના પૈસા કોણ આપશે તે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા હત્યા નિપજાવવામાં આવી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની અલગ અલગ દિશામાં તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મૃતક બટુકભાઈને સંતાનમાં ત્રણ દીકરીઓ હોવાનું સામે આવ્યું છે અને તેની પત્ની ભિક્ષાવૃત્તિ કરીને સંતાનોનું પેટ અને એમના પરિવારનું ગુજરાન ચલાવતી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી શહેરમાં જૂની શાકમાર્કેટની જગ્યાએ લગભગ 7 વર્ષ પહેલા નવી શાકમાર્કેટ બનાવવામાં આવી છે જેનું આજ દિવસ સુધી લોકાર્પણ થયેલ ન હોવાથી તે શાકમાર્કેટ ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે. શાકમાર્કેટમાં હજુ સુધી વેપારીઓને થડા ફાળવવામાં ન આવ્યા હોવાથી માર્કેટની હાલત ખંઢેર જેવી થઈ જવા પામી છે અને આ માર્કેટ આવારા તત્વોનો અડ્ડો બની ગઈ છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!
આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી
આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે
