ઉત્તરપ્રદેશ/ બરેલીના શિવ મંદિરમાં મુસ્લિમ મહિલાએ નમાજ અદા કરતા બબાલ,3 લોકોની ધરપકડ

બરેલીના શિવ મંદિરમાં નમાજ અદા કરતી મુસ્લિમ મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે બરેલી પોલીસે આ કેસમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

India

થોડા દિવસો પહેલા જ  એક સરકારી બસને અધવચ્ચે રોકીને નમાઝ અદા કરવામાં આવી હતી. આ કેસમાં બસના કંડક્ટર અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો બાદમાં કંડક્ટરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. હજુ મામલો ઠંડો પણ પડ્યો ન હતો અને હવે એક નવો મામલો સામે આવ્યો છે. બરેલીના શિવ મંદિરમાં નમાજ અદા કરતી મુસ્લિમ મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે બરેલી પોલીસે આ કેસમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે શિવ મંદિરમાં નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. આ મામલામાં જિલ્લાના SSPએ પોતે કમાન્ડ સંભાળી ઘટનાની તપાસની જવાબદારી સર્કલ ઓફિસરને આપી હતી. તપાસ બાદ પોલીસે રવિવારે સબીના અને નઝીરા નામની બે મહિલાઓની અટકાયત કરી હતી. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ચમનશાહ નામના મૌલવીએ તેને કહ્યું હતું કે આ જગ્યાએ નમાઝ પઢવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આ પછી તેણે અહીં નમાજ અદા કરવાનું નક્કી કર્યું હતું.

નોંધનીય છે કે આ કેસમાં પોલીસે  સૈયદપુરના રહેવાસી ચમનશાહ મિયાં નામના મૌલવીની પણ ધરપકડ કરી હતી. આ મામલામાં બરેલી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પોલીસને કેસરપુર ગામના વડાના પતિ પ્રેમ સિંહની ફરિયાદ મળી હતી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે બની હતી.