રાજકારણ માં તો રહેવું છે પણ કોઈ પક્ષ સાથે જોડાવું કે નહીં? જો જોડાવું તો કોની સાથે જોડાવું?…. આવા અનેક સવાલો અત્યારે નરેશ પટેલ ના મનમાં ચાલી રહ્યા હશે. અથવા તો તેઓએ જવાબ મેળવી લીધા હશે પરંતુ જાહેર કરવા માટે કે કોઈ એક્શન લેવા માટે યોગ્ય સમયની રાહ જોતા હોય એવું બની શકે છે. જો કે જનતાને હવે નરેશ પટેલના જવાબ અને નિર્ણયની આતુરતાથી રાહ હોય એવું લાગી રહ્યું છે અને નરેશ પટેલ આડકતરો ઇશારો પણ કરી રહ્યા હોય એવું લાગે છે. રાજકારણ ના કે રાજકારણમાં ‘નરેશ’ એવા પટેલ આજે દિલ્હી દરબાર પહોચશે અને દિલ્હી દરબાર માં કોંગ્રેસના કદાવર નેતાઓ સાથે બેઠકો કરશે. હવે આ બેઠકનો અર્થ શું કરવો એ જનતા જાતે જ વિચારે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. નરેશ પટેલ થોડી જ ક્ષણોમાં રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ મોટા નેતાઓને મળશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે ફાઇનલ બેઠક કરશે. નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળોનો અંત આવી શકે છે. થોડા દિવસોમાં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. જો કે નરેશ પટેલ તેનો નિર્ણય આજે જાહેર કરશે કે કેમ તે બાબત હજી સુધી કળી શકાતી નથી. તેઓ સસ્પેન્સ ક્રિએટ કરવામાં તો માહિર સાબિત થયા જ છે.
સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી અનુસાર, નરેશ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે બેઠક યોજી શકે છે. તો કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂની થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે. નરેશ પટેલના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ગત મહિને પણ દિલ્હી પહોંચીને નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે આહીર સમાજની મિટિંગ મળી હતી. આ મિટિંગ બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, આહિર સમાજના આગેવાનો ઈચ્છી રહ્યા છે કે, રાજકારણમાં જોડાવું જોઈએ. નરેશભાઈ પટેલ રાજકારણમાં જાય તો આહિર સમાજ તેની સાથે છે. જ્યારે થોડા દિવસ પહેલા નરેશ પટેલે કહ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં રાજનીતિમાં જોડાશે. તેઓ એક સામાજિક કાર્યકર્તા છે. રાજનીતિમાં જોડાવા અનેક સમીકરણો ધ્યાને લેવા પડે. તેઓ એ પક્ષમાં જોડાશે ; જે સમાજ માટે કામ કરશે, લોકો માટે કામ કરશે. ઉપરાંત જામનગરમાં ભાગવત કથામાંનરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા હતા. જોકે નરેશ પટેલે આ અંગે કહ્યું કે, CR પાટીલ સાથે કોઈપણ મુદ્દે ચર્ચા નથી થઈ. આ અગાઉ તેઓ વરૂણ પટેલ, અલ્પેશ ઠાકોર સાથે પણ જોવા મળ્યા હતા. આ બધી કડીઓને જોડવામાં આવે તો નરેશ પટેલ ક્યારેય રાજકારણ જોઈન કરે નહિ છતાય હંમેશા રાજકારણમાં રહે એવું બની શકે છે. જો કે આ બાબતે તો આગામી સમયમાં જ ચિત્ર સ્પષ્ટ બનશે.
આ પણ વાંચો : માત્ર 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરતી પહેલી ગુજરાતી દીકરીને મળો
