દિલ્લી,
સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (SC-ST)ના એક્ટમાં નિર્ણય બાદ દલિત સંગઠનો દ્વારા દેશભરમાં સોમવારે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભારતબંધના એલાન પર દેશભરમાં અલગ-અલગ શહેરોમાં દલિત સમુદાયના સંગઠનો તેમજ તેઓના સમર્થકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે મંગળવારે લોકસભામાં સરકાર તરફથી ગૃહમંત્રી રાજનાથ સિંહે પક્ષ રાખ્યો હતો.
SC/ST એક્ટ અંગે આ વર્ગના લોકોના હિતોની રક્ષાની પૂરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ” અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિરોધક કાયદાને કોઈ પણ રીતે નબળો નહિ બનાવવામાં આવે તેમજ આ દિવસોમાં આરક્ષણને લઈને ઘણી અફવાઓ થઇ રહી છે અને તેમાં કોઈ આધાર નથી”.
આ ઉપરાંત તેઓએ સોમવારે “ભારત બંધ” ના સમયે દેશમાં થઇ રહેલી હિંસામાં થયેલા નુકસાન પર પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને લોકોને શાંતિ જાળવી રાખવા માટે રાજકીય દળોનો સાથ માંગ્યો હતો.
લોકસભામાં તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના હિતોની રક્ષાને લઈને પૂરી રીતે પ્રતિબદ્ધ છે અને આ વર્ગના અત્યાચાર નિરોધક કાયદાને કોઈ પણ રીતે નબળો કરવામાં નહિ આવે”.
તેઓએ ભારત બંધ દરમિયાન થયેલા લોકોના મોત અંગે જણાવ્યું હતું કે, એસસી-એસટી કાયદાને લઈને ઉચ્ચતમ ન્યાયાલયમાં આવેલા નિર્ણયના વિરુદ્ધમાં દલિતો દ્વારા કરાયેલા ઉગ્ર પ્રદર્શનમાં નવ લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશમાં ૮, ઉત્તરપ્રદેશમાં ૩ અને રાજસ્થાનમાં ૧ વ્યક્તિના મોત થયા હતા.
રાજનાથ સિંહે કહ્યું હતું કે, આ હિંસામાં માર્યા ગયા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરે છે અને અપીલ કરે છે કે લોકો શાંતિ જાળવે.
તેઓએ જણાવ્યું હતું કે, ઉચ્ચ્તમ ન્યાયાલયનો નિર્ણય ૨૦ માર્ચના રોજ આવ્યો હતો અને તે પછી સરકારે માત્ર ૬ દિવસોમાં કાયદાની પ્રક્રિયાઓને પૂરી કરી હતી. ૨ એપ્રિલના રોજ શીર્ષ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારની અરજી દાખલ કરાઈ હતી.
કોંગ્રેસ અને બીજા વિપક્ષી દળોના સદસ્યોની નારેબાજી વચ્ચે સિંહે જણાવ્યું હતું કે, એટર્ની જનરલ પુનર્વિચાર અરજી પર ઝડપથી સુનાવણી કરવા માટે આગ્રહ કર્યો છે અને તેઓએ સહમતી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું હતું કે આ વિષય પર સરકારની તત્પરતા પર કોઈ સંદેહ ન કરી શકાય. સરકારે એસસી/એસટી કાયદાને કોઈ પણ રીતે નબળો નથી કર્યો.
ગૃહ મંત્રાલયએ શાંતિ જાળવી રાખવા માટે રાજ્યોને પણ અપીલ કરી છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય સ્થિતિ પર નજર બનાવી રાખવામાં આવી રહી છે અને સતત રાજ્યોના સંપર્કમાં છે.
બીજી બાજુ ગૃહમંત્રીના નિવેદન પર કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની વિપક્ષી પાર્ટીઓઓ સાંસદોએ ભારે નારેબાજી કરી હતી અને હિંસા રોકવામાં સરકાર પર નાકામીનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસના સુનીલ જાખડ અને કાન્તિલાલ ભુરીયાએ સવાલ કર્યો હતો કે સરકાર કેમ હિંસાને રોકી શકી નથી. તૃણમુલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જીએ સરકાર પર આરોપ લગાડ્યો હતો કે, “સરકાર ઉપરાંત સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં આ વર્ગના પક્ષને યોગ્ય રીતે રાખ્યો ન હતો”. તેઓએ દાવો કર્યો હતો કે, સરકાર જાણી જોઇને કાયદાને નબળો કરવાની કોશિશ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (SC-ST)ના એક્ટમાં ફેરફાર કરતા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પરંતુ કોર્ટના નિર્ણય બાદ દલિત સંગઠનો દ્વારા દેશભરમાં સોમવારે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતબંધના એલાન પર દેશભરમાં અલગ-અલગ શહેરોમાં દલિત સમુદાયના સંગઠનો તેમજ તેઓના સમર્થકો ઉગ્ર વિરોધ પ્રદર્શન પ્રદર્શન કર્યું હતું જેમાં ૯ લોકોના મોત થયા હતા.
