મુંબઇ,
મુંબઈના અતિ પોશ એવા કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલા મોજોસ પબનાં ટોપ ફ્લોર પર ગુરુવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં 14 લોકોનાં મોત થયાં છે, જ્યારે 19 લોકો આ હોનારતમાં ઘાયલ થયાં છે. મૃતકોમાં અનેક ગુજરાતીઓ હોવાની પણ માહિતી મળી રહી છે.
સેનાપતિ બાપટ રોડ પર આવેલી ચાર માળની આ બિલ્ડીંગમાં લાગેલી આ આગના કારણે 50 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 12 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પહેલા કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલે 14 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આગના કારણે મોજોસ પબનું ટેરેસ બળીને ખાક થઈ ગયું છે.
રેસ્ટોરન્ટ અને પબમાં વર્ષના અંતનું સેલિબ્રેશન કરી રહેલાં અનેક મહેમાનો સાથે કરૂણાંતિકા સર્જાઇ હતી. આગ લાગવાને કારણે કેટલાંક લોકો બાથરૂમમાં ભરાઇ ગયા હતા. જે ગુંગળાઇ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. રેસ્ટોરન્ટમાં 28 વર્ષની મહિલાની બર્થ ડે પાર્ટી પણ ચાલી રહી હતી જેમાં આવેલી કેટલીક મહિલાઓ પણ મોતને ભેટી હતી.
આ ભીષણ આગને કારણે રેસ્ટોરન્ટના માલિકો સામે પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઇમારતમાં ત્રણ જેટલી ન્યુઝ ચેનલ અને બે અખબારોની ઓફિસ પણ હતી. જે બળીને ખાખ થઇ ગઇ હતી.
