નવી દિલ્હી,
છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો કરી કોંગ્રેસની સરકાર સત્તા પર બિરાજમાન થઇ છે. ત્યારબાદ ભૂપેશ બઘેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને સાથે સાથે ૧૨ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે.
આ વચ્ચે છત્તીસગઢ સરકારના આ કેબિનેટ મંત્રીઓને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી બઘેલ તેમજ તમામ ૧૨ મંત્રીઓ કરોડપતિ છે, જયારે અન્ય બે મંત્રીઓ પર છેતરપિંડી કરવાના આરોપ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના જણાવ્યા મુજબ, સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ કરોડપતિ છે અને તેઓની એવરેજ સંપત્તિ ૪૭.૧૩ કરોડ રૂપિયા છે.
આ પહેલાની ડો. રમણસિંહ સરકારના મંત્રીઓની એવરેજ સંપત્તિ ૩.૦૪ કરોડ રૂપિયા હતી.
ADRના રિપોર્ટ મુજબ, છત્તીસગઢ કેબિનેટમાં સૌથી અમીર મંત્રી ટી એસ સિંહ દેવ છે, જેઓની સંપત્તિ ૫૦૦ કરોડ રૂપિયા છે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો નંબર આવે છે. તેઓ પાસે ૨૩ કરોડ રૂપિયા કરતા વધુ સંપત્તિ છે.
