નવી દિલ્હી,
આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે કેટલીક વિપક્ષી પાર્ટીઓએ ભાજપ વિરુદ્ધ ચૂંટણી પૂર્વ ગઠબંધન પર કામ શરુ કરી દીધુ છે. આ પાર્ટીઓનો લક્ષ્ય દરેક રાજ્ય મુજબ ગઠબંધન કરીને પોતાની રાજનૈતિક શક્તિને વધારવો અને આ રાજ્યોમાં ભાજપની બેઠકોને ઘટાડવાનો છે.
આ મામલા સાથે જોડાયેલા નેતાઓએ જણાવ્યુ કે, “અત્યાર સુધી ૭ રાજ્યોમાં આ રીતના ગઠબંધનની સંભાવના બની રહી છે, જ્યાં ભાજપ અને તેના સહયોગીઓએ ૨૦૧૪ બાદથી ઝડપથી સફળતા મેળવી છે”.
જે રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ ચુંટણી-પૂર્વ ગઠબંધનની તૈયારીમાં લાગેલી છે તે ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને જમ્મુ-કાશ્મીર. આ રાજ્યોમાં મળીને ૨૫૨ લોકસભા બેઠકો છે.
૨૦૧૪ લોકસભા ચુંટણીમાં ભાજપે આમાંથી આશરે ૧૫૦ બેઠકો પર જીત મેળવી હતી, તેમજ આશરે એક ડઝન બેઠકો પર તેના સહયોગી દળોએ જીત મેળવી હતી. આ સાતેય રાજ્યોમાં ભાજપ લહેર ઉપરાંત ગેરભાજપી દળો વચ્ચે અંતરે પણ ૨૦૧૪માં ભગવા પાર્ટીને જીત અપાવી હતી.
તમિલનાડુમાં ભાજપને માત્ર ૧ સીટ પર જ જીત મળી હતી, પરંતુ રાજ્યની ૩૯માંથી ૩૭ સીટો પર જીત મેળવનાર એઆઈડીએમકે સંસદની અંદર અને બહાર ભાજપના અનૌપચારીક સહયોગી દળના રુપમાં કામ કરી રહી છે.
સુત્રોનું કહેવુ છે કે, વિપક્ષી પાર્ટી આ રાજ્યોમાં બેઠકોની વહેંચણીના ફોર્મ્યુલા સાથે ગઠબંધનની જાહેરાત લોકસભા ચુંટણીની તારીખો અંગે સ્પષ્ટતા આવ્યા બાદ કરશે.
