પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે ગુરમીત રામ રહીમ સહિત ચાર દોષિતોને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ આજે સજા સંભળાવી છે. પત્રકાર હત્યાકાંડમાં રામ રહીમને આજીવન કેદની સજા સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે.રામ રહીમ સહિત અને ત્રણ દોષીતોને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
દોષિતોને વીડિયો કોન્ફરન્સથી સજા સંભળાવવામાં આવી હતી. સજા સંભળાવવાની શરૂઆત થઈ ત્યારે રામ રહીમ બે હાથ જોડીને ઉભો રહ્યો હતો. જજમેન્ટ સાંભળતા જ તેના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ હતી. જજની સામે રામ રહીમના વકીલે દયાની અપીલ કરી હતી.
રોહતક જેલની આસપાસ સુરક્ષામાં વધારો કર્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોહતકમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે લગભગ 800 જવાનોને ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. પોલીસે સુનારિયા જેલની પાસે 10 બેરીયર પણ ઉભા કર્યા છે, જ્યાં પોલીસ સંપૂર્ણ ઘટના પર દેખરેખ રાખશે અને વોકી ટોકીથી વરિષ્ઠ અધિકારીને માહિતી આપશે. બાબાના સમર્થકો પર દેખરેખ રાખવા માટે હાઇવે સિવાયના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
પહેલાં સિરસામાં ગઈકાલે પોલીસે ફ્લેગ માર્ચ કાઢ્યો હતો. સિરસામાં બે મહિલા પોલીસની કંપની સહિત કુલ 12 કંપનીઓ બહારથી મંગાવવામાં આવી છે. અહીં સીઆરપીએફની 2 ટુકડીઓને પણ અલર્ટ પર મૂકવામાં આવી છે. ઉપરાંત પંચકુલા, ફતેહબાદમાં સુરક્ષા સખ્ત કરવામાં આવી છે.
શ્રેયસીએ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ માટે ફાંસીની સજાની માંગણી કરી હતી. શ્રેયસીએ કહ્યું હતું કે તેના પરિવારે લાંબી કાયદાકીય લડાઈ લડી છે. તેની માતાએ ઘણું બધુ સહન કર્યું છે. શ્રેયસીએ કહ્યું કે તે કોર્ટમાં હાજર રહીને જોવા માંગે છે કે જ્યારે સજા સંભળાવવામાં આવશે ત્યારે ગુરમિત રામ રહીમને કેવું લાગે છે. જોકે, કોર્ટે ફક્ત તેના ભાઈ અંશુલ છત્રપતિને જ કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી હતી.
