નવી દિલ્હી,
બુધવારથી શરુ થયેલા સંસદના મોનસૂન સત્રમાં વર્તમાન સત્તાધારી મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને તેની ચર્ચા શુક્રવારના રોજ થનારી છે. ત્યારે આ પહેલા ગુરુવારે લોકસભામાં ભાગેડુ આર્થિક અપરાધી બિલ પસાર કરવામાં આવ્યું છે.
આ બિલ પસાર થયા બાદ કૌભાંડીઓ સામે લેવામાં આવશે એક્શન
હવે આ અધ્યાદેશને મંજૂરી મળ્યા બાદ આ કાયદાની જોગવાઈ હેઠળ કૌભાંડીઓ સામે ગુનો નોધવામાં આવશે તેમજ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રૂપિયાના કૌભાંડીઓ સામે તેઓની ધરપકડ કરવા માટે વોરંટ પણ બહાર પાડવામાં આવશે.
આ ઉપરાંત કૌભાંડીઓને તેમના આરોપો સાબિત થાય પહેલા જ હવે તેઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.
મહત્વનું છે કે, આ પહેલા વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ગોટાળા બાદ તેઓ સામે ગત ૧૨ માર્ચના રોજ લોકસભામાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ ૨૦૧૮ (ભાગેડુ આર્થિક અપરાધી બિલ) રજુ કરવામાં આવ્યું હતું પરંતુ ભારે હોબાળાના કારણે પસાર થઇ શક્યું ન હતું.
જયારે મોટર વ્હિકલ એક્ટ બિલ સોમવારે રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, આગામી ૧૦ ઓગષ્ટ સુધી ચાલનારા આ સત્રમાં મોદી સરકાર દ્વારા અનેક મહત્વના બિલો પસાર કરવાના બાકી છે તે પસાર કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી દ્વારા ના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, સરકાર ભાગેડુ આર્થિક અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવા માટે એક નવો કાયદો લાવવા માટે કામ કરી રહી છે.
