ભારતીય નેવીની ૬ જાંબાજ મહિલા અધિકારીઓ ૫૫ ફૂટની બોટમાં સવાર થઈને ૬ મહિનાની સમુદ્ર પરિક્રમા પર નિકળી છે. આ પરિક્રમા દરમિયાન આ મહિલા અધિકારીઓને ગુરુવારે પ્રશાંત મહાસાગરમાં તોફાનનો સામનો કરવો પડ્યો હતો. ફોકલેન્ડ આઈલેન્ડ પહોચતા પહેલા થયેલા આ તૂફાનનો સામનો મહિલા અધિકારીઓએ નીડરતા અને જાબાજીથી કર્યો હતો અને બોટને ખૂબ સારી રીતે બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ ભારતીય નેવીએ આ મહિલા ઓફિસરોની જાંબાજીનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે હતો.
#WATCH: 6 women naval officers on INSV Tarini, trained at Ocean Sailing Node, brave their way through a storm in the Pacific Ocean while on the way to Falkland Islands (08.01.2018) (Source: Indian Navy) pic.twitter.com/j3uAm7b8bS
— ANI (@ANI) January 11, 2018
મહિલા ઓફિસરોની આ બહાદુરીના વખાણ કરતા નેવીએ જણાવ્યું, “મહિલા ઓફિસરોએ ખૂબ બહાદુરી બતાવી અને તેમની બોટ તોફાનમાંથી બહાર કાઢી લીધી હતી”. આ મહિલા ઓફિસર ૫૫ ફૂટની બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઓફિસર્સ ૬+ મહિનાની દરિયાઈ પરિક્રમા માટે નીકળી છે. મહિલા ઓફિસરોએ દરિયામાં શિપ ચલાવવા માટેની ટ્રેનિંગ પણ લીધી છે.
આ પરિક્રમા ૫ ફેઝમાં પૂરી થવાની છે. આ દરમિયાન ટીમ રેશન અને શિપના મેઈન્ટેનન્સ માટે ચાર બંદર ફ્રેમન્ટલ (ઓસ્ટ્રેલિયા), લિટલેટન (ન્યૂઝીલેન્ડ), પોર્ટ સ્ટેનલે (ફોકલેન્ડ) અને કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) રોકાશે. દરિયાઈ માર્ગે દુનિયાનું પરિભ્રમણ કરીને આ ટીમ માર્ચ ૨૦૧૮માં ભારત પરત આવશે.
આ દરિયાઈ જહાજને રક્ષામંત્રી નિર્મલા સીતારમને લીલી ઝંડી આપી હતી. ગ્રીન સિગ્નલ આપતા તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મહિલા અધિકારી પોતાના અભિયાનમાં સફળતા મેળવશે. આ માત્ર એક સામાન્ય અભિયાન નથી પરંતુ તેમના સંકલ્પ અને સાહસની દરેક પળ પરીક્ષા થશે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, મહિલાઓ પોતાની પ્રતિભા, કૌશલ અને સંકલ્પના કારણે બળ સાથે જોડાવવા આગળ આવી રહી છે પરંતુ તેમને જ્યારે પણ મદદની જરૂર હશે ત્યારે અમે તેમના માટે તૈયાર રહીશું. નોધનીય છે કે, આ તમામ ૬ મહિલા ઓફિસરોને સમુદ્રમાં શિપ ચલાવવાની ટ્રેનિંગ આપીને ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રવાના કરવામાં આવી હતી. આ વિશ્વનું આ પહેલું શીપ છે, જેની તમામ ક્રુ મેમ્બર્સ મહિલાઓ છે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નેવીના દરિયાઈ જહાજ ‘આઈએનએસ વી તારિણી‘ પર હાજર લોકોને વીડિયો કોલ કરીને વાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને ‘આઈએનએસવી તારિણી’ના ચાલક દળ સહિત અન્ય કર્મીઓને તેમના હાલચાલ પૂછ્યા હતાં. આ સાથે જ તેમણે સમગ્ર દેશ તરફથી તેમને દીવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
