મુંબઈ,
બોમ્બે હાઈકોર્ટ દ્વારા રેપ મામલે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટની ગોવા ખંડપીઠે દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, દરેક પુરુષને મહિલા સાથે યૌન સંબંધ બનાવવાના કેસમાં બળાત્કારનો દોષિત ગણી શકાય નહીં.
કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યુ કે, “જ્યારે પુરુષ-મહિલા વચ્ચે ગાઢ પ્રેમ સંબંધોના પુરાવા હાજર હોય ત્યારે પુરુષને બળાત્કારનો આરોપી માની શકાય નહીં”.
બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો યોગેશ પાલેકર અંગેના કેસની સુનાવણી દરમિયાન આપ્યો છે. આ પહેલા યોગેશ પાલેકર પર લા સાથે લગ્નનું વચન આપી બળાત્કાર કરવાનો આરોપ હતો અને આ અંગે નીચલી કોર્ટે ૭ વર્ષની જેલ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
કોર્ટે ૨૦૧૩ના આ કેસમાં આરોપીની સજા અને દંડ હટાવવાનો આદેશ આપ્યો છે. યોગેશ એક કસીનોમાં સેફ તરીકે કામ કરતો હતો અને તેનુ અફેર ત્યાં જ કામ કરતી એક યુવતિ સાથે થયુ હતું.
જો કે ત્યારબાદ મહિલાએ તેના પર આરોપ લગાવ્યો હતો કે, “યોગેશ તેને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવાના બહાને ઘરે લઈ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે સંબંધો બંધાયા હતા”.
મહિલાએ વધુમાં જણાવ્યા મુજબ, “યોગેશે આ ઉપરાંત ત્રણથી ચાર વખત તેની સાથે સંબંધ બનાવ્યા હતા. મહિલાના આ આરોપ બાદ યોગેશની સામે બળાત્કારની ફરીયાદ નોંધાઈ હતી”.
આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યુ કે, મહિલાએ યોગેશને આર્થિક રીતે પણ મદદ કરી હતી. જસ્ટિસ સી વી ભદાંગે સુનાવણી દરમિયાન નોંધ્યુ કે, બન્ને વચ્ચે જે થયુ હતુ તે પરસ્પર સહમતીથી થયુ હતું. જેના આધારે કોર્ટે સ્પષ્ટ કર્યુ કે આ બળાત્કાર નહતો પરંતુ બન્ને વચ્ચે પ્રેમ હતો અને તેમાં સહમતીથી બંધાયેલા સંબંધ હતા.
