મોદી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલી નોટબંધી બાદ જૂની નોટોનો અત્યાર સુધીની સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે. ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક હબ ગણાતા કાનપુરમાં એનઆઈએ અને યુપી પોલીસના સંયુક્ત સાહસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૯૬.૬૨ કરોડ રૂપિયાની જૂની નોટો મળી આવી હતી. એનઆઈએ દ્વારા પાડવામાં આવેલ દરોડા દરમિયાન નોટોની ૩ પથારી મળી આવી હતી. આ મામલે પોલીસે ૧૬ લોકોની ધરપકડ કરી છે, અને તેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એનઆઈએ અને યુપી પોલીસે મંગળવાર રાત્રે એક હોટલ અને ૩ અન્ય સ્થળે દરોડા પાડ્યા હતા જેમાં બિલ્ડર આનંદ ખતરીના ઘરેથી જૂની નોટો જપ્ત થઈ હતી. આ દરોડા અંગે જણાવતા કાનપુરના એસએસપી એ કે મીણાએ કહ્યું હતું કે, “મળી આવેલી આ રકમ અંગે આરબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને માહિતી આપી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મળેલ વિગત મુજબ આ બિલ્ડરે કમિશનથી નોટો બદલાવી આપીને આ રોકડ ભેગી કરી હતી”.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુપી પોલીસે મેરઠના એક બિલ્ડર સંજીવ મિત્તલ પાસેથી લગભગ ૨૫ કરોડ રૂપિયાની જુની નોટો ઝડપી પાડી હતી. આ તપાસ દરમિયાન એનઆઈએને માહિતી મળી હતી કે, ઉત્તરપ્રદેશના અનેક નામચીન બિલ્ડરો આ કૌભાંડમાં સંકળાયેલા છે. યુપી પોલીસનુ કહેવુ છે કે, આ મામલે ધરપકડ કરાયેલ એક વ્યક્તિનો સંબંધી આરબીઆઈમાં નોકરી કરે છે, ત્યારબાદ આ અંગે પણ તપાસ કરાઈ રહી છે કે, આ સમગ્ર કૌભાંડમાં કોઈ સરકારી અધિકારી તો સંડોવાયેલ નથી.
