જમ્મુ-કાશ્મીર,
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ૧૦ જાન્યુઆરીના રોજ એક મંદિરના ગર્ભગૃહમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપની ઘટનાને કારણે દેશ વધુ એકવાર શરમજનક બાબતમાં મુકાયો હતો. આ ચકચારી ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ, એક સગીર વયના છોકરા સહિત કુલ ૮ આરોપીઓ શામેલ હતા.
પરંતુ આ ઘટના અંગેની અચરજ વાત એ હતી કે ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ પણ આ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દેશભરમાં આ ઘટનાને લઇ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે હવે લાંબા સમયગાળા બાદ વર્તમાન PDP-ભાજપ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
કઠુઆ ગેંગરેપ મામલે મહબૂબા મુફ્તી સરકાર દ્વારા આરોપી ૩ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાં છે. અ ત્રણેય પોલીસવાળા કઠુઆની દર્દનાક ઘટનામાં આરોપી છે.
જમ્મુ-કાશ્મીરના સીએમ મુફ્તીએ જણાવ્યું, “આ મામલામાં ન્યાય સુનિશ્ચિત કરવા માટે દેશના લોકો જે રીતે આગળ આવ્યા છે જેથી વ્યવસ્થામાં વિશ્વાસ કાયમ થશે. તેઓએ આ માસૂમ પીડિત બાળકીને ન્યાય આપવામાં જમ્મુ-કાશ્મીર સરકાર સાથે ઉભા રહેવા માટે દેશના નેતૃત્વ, અદાલત,મીડિયા અને સિવિલ સોસાયટીની પ્રશંસા કરી હતી”.
કઠુઆ મામલે એક્શનમાં આવેલી મહેબૂબા સરકારે આ ચકચારી ઘટનાના આરોપી સબ ઇન્સ્પેકટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્પેશિયલ પોલીસ ઓફિસર દિપક ખજુરિયાને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં આરોપીઓ દત્તા અને તિલક રાજ પર પુરાવાઓ મીટાવવાનો આરોપ છે જયારે દિપક ખજુરિયા પર બાળકીના અપહરણ, ગેન્ગરેપ અને હત્યામાં શામેલ હોવાનો આરોપ છે.
મહત્વનું છે કે, ૧૦ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન કઠુઆ જિલ્લાના રાસના ગામમાં એક મંદિરના ગર્ભગૃહમાં રાખીને એક ૮ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમોએ ગેંગરેપ આચર્યો હતો અને ત્યારબાદ તેની નિર્દયતાથી હત્યા કરી હતી.
